મોરબી મહાનગરપાલિકાનું ડિજિટલ પગલું
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.19
મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ નાગરિકોને સુવિધા વધારવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી નાગરિકોને પ્રોપર્ટી ટેક્સ ભરવા માટે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવું પડતું હતું, પરંતુ હવે તેનું સરળ નિરાકરણ લાવવામાં આવ્યું છે.
- Advertisement -
મોરબી મહાનગરપાલિકાએ એક મોબાઇલ એપ્લિકેશન ડેવલોપ કરી છે, જેના માધ્યમથી નાગરિકો પોતાની અનુકૂળતા મુજબ ઘરે બેઠા જ ઓનલાઈન પ્રોપર્ટી ટેક્સ ભરી શકશે. આ પગલાથી સમય અને ઊર્જાની બચત થવાની સાથે સાથે સુવ્યવસ્થિત સેવા મળી રહેશે.
હાલમાં પ્રોપર્ટી ટેક્સની વસુલાત મહાનગરપાલિકા ઓફિસ તથા શહેરની કુલ 11 કલસ્ટર ઓફિસોમાં સવારે 10:30 થી બપોરે 12:00 વાગ્યા સુધી કરવામાં આવે છે. હવે નાગરિકો સીધા Google Play Store પરથી Morbi Municipal Corporation નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી શકશે. એપમાં પોતાના મિલકત નંબર દાખલ કરતા જ ઓનલાઈન પ્રોપર્ટી ટેક્સ ભરવાનો વિકલ્પ ઉપલબ્ધ રહેશે.
મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને આ નવી સુવિધાનો લાભ લેવા તથા નિયમિત પ્રોપર્ટી ટેક્સ ભરવા જાહેર અપીલ કરવામાં આવી છે.