‘અશાંતધારા’ લાગુ કરવા વિશાળ રેલીનું આયોજન
જૂનાગઢના સાધુ-સંતો અને અગ્રણીઓ એક થઇ અવાજ ઉઠાવશે
- Advertisement -
20મી ઓગસ્ટે મહારેલી યોજાશે: કલેક્ટરને આવેદનપત્ર અપાશે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.12
જૂનાગઢ શહેરમાં અગાઉ ઘણા સમયથી અશાંતધારો લાગુ કરવા વિવિધ વિસ્તારના આગેવાનો અને સ્થાનિક લોકોએ રેલીઓ યોજી કલેકટરને રજૂઆત કરવામાં આવી છે તેમજ પૂર્વ સ્ટેન્ડિગ ચેરમેન હરેશ પરસાણા દ્વારા પણ મુખ્યમંત્રી સુધી અશાંતધારા લાગુ કરવા લેખિત રજૂઆત કરાઈ છે જયારે છેલ્લા ત્રણ વર્ષથી જૂનાગઢ શહેરના વિવિધ વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવાની માગણીઓ થઈ રહી છે. આ માગણીઓને વેગ આપવા અને સરકાર સુધી પ્રબળ રીતે પહોંચાડવા માટે, હિન્દુ હિત રક્ષક સમિતિ, જૂનાગઢના નેજા હેઠળ સાધુ – સંતો અને અગ્રણીઓ એક થઇ અવાજ ઉઠાવશે જેમાં કાલે એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે, 20મી ઓગસ્ટે, સાંજે 4 કલાકે આ રેલી જૂનાગઢના ઝાંસીની રાણીની પ્રતિમા પાસેથી શરૂ થશે અને કલેક્ટર કચેરી સુધી જશે. રેલી બાદ, કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવશે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ શહેરના અમુક વિસ્તારોમાં થતા મિલકતોના અનિયંત્રિત વેચાણ અને ધાર્મિક વસ્તીના અસંતુલનને અટકાવવાનો છે, જે શાંતિ અને વ્યવસ્થા માટે જોખમી બની શકે છે. આ રેલીમાં સમગ્ર જૂનાગઢ શહેરના હિન્દુ સમાજને એકજૂટ થઈને જોડાવા માટે અપીલ કરવામાં આવી છે.
આ કાર્યક્રમમાં સાધુ-સંતો, સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો, વિવિધ ગરબી મંડળોના સંચાલકો, ગૌશાળાના સંચાલકો અને શહેરના પ્રબુદ્ધ અગ્રણીઓ સહિત બહોળી સંખ્યામાં જન સમુદાય ભાગ લેશે. હિન્દુ હિત રક્ષક સમિતિ, જૂનાગઢ દ્વારા નગરજનોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ આ અગત્યના કાર્યક્રમમાં સહભાગી થઈને શહેરના હિત માટે પોતાનો ટેકો દર્શાવે છે. આ રેલી ફક્ત એક કૂચ નથી, પરંતુ જૂનાગઢ શહેરની સાંસ્કૃતિક અને સામાજિક એકતા જાળવી રાખવા માટેનો એક પ્રબળ પ્રયાસ છે. અશાંતધારા લાગુ થવાથી મિલકતોના વેચાણ પર નિયંત્રણ આવશે અને શહેરી શાંતિ જળવાઈ રહેશે એવી આશા રાખવામાં આવી રહી છે.
- Advertisement -
ગિરનારના સાધુ-સંતો વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી મુદ્દે આજે આવેદન
સોશિયલ મીડિયા પર ભવનાથ-ગિરનારના સાધુ-સંતો વિરુદ્ધ અભદ્ર અને અશોભનીય ભાષાનો ઉપયોગ કરનાર ઇન્ફ્લુએન્સર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આવેદનપત્ર આપવામાં આવશે. આ મામલાને ગંભીરતાથી લઈ, વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ આજે સાંજે 4:45 કલાકે એસ.ઓ.જી. ઓફિસ ખાતે એકઠા થઈને આવેદન અપાશે આ આવેદનપત્ર દ્વારા પોલીસ તંત્રને આવા કૃત્યો સામે કડક પગલાં લેવા અને ભવનાથની ગરિમા જાળવી રાખવા વિનંતી કરવામાં આવશે. આ અંગે વિશ્વ હિન્દુ પરિષદ, જૂનાગઢ મહાનગરના ધર્માચાર્ય સંપર્ક પ્રમુખ જીગ્નેશ બારોટ અને મંત્રી વિપુલ રાવતે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકર્તા બંધુઓ ઉપસ્થિત રહીને સંતોના સન્માનની રક્ષા માટે એકતા દર્શાવશે તેમ જણાવ્યું છે.