જગતમંદિર સાથે ત્રણ સામ્યતાઓને કારણે મિની દ્વારકા તરીકે ઓળખાતું મુરલી મનોહર મંદિર
મંદિરના બાંધકામમાં નાગર અને રાજસ્થાની શૈલીના સ્થાપત્યની ઝલક: બંને સમય ચાલતું અન્નક્ષેત્ર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
આ પંક્તિ શ્રીકૃષ્ણના અદ્ભુત સ્વરૂપોનું વર્ણન કરે છે, તેમના જીવનની દરેક લીલા અનોખી અને મનોરમ છે. માખણચોરી હોય, રાસલીલા હોય કે હોળીખેલ હોય, દરેક લીલા વખતે શ્રીકૃષ્ણ પાસે બંસરી અવશ્ય હોય. વેણુનાદ કરતા બંસીધર શ્રીકૃષ્ણનું સુંદર સ્વરૂપ સૌરાષ્ટ્રની પવિત્ર ભૂમિ પર બિરાજમાન છે, મુરલી મનોહર મંદિરમાં. રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સુપેડી ગામમાં ઉતાવળી નદીના કિનારે આવેલું આ પ્રાચીન મંદિર હજારો વર્ષોથી ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર રહ્યું છે.
- Advertisement -
વર્ષ 1956માં સૌરાષ્ટ્ર સરકારના શિક્ષણ વિભાગ અંતર્ગત મુરલી મનોહર મંદિરને રાજ્ય રક્ષિત સ્મારક જાહેર કરવામાં આવ્યું હતું. હાલમાં ગુજરાત સરકારના પુરાતત્વ ખાતાં હેઠળ આ મંદિરનું સંરક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ મંદિરની કોતરણી, બાંધકામ અને ગુંબજમાં નાગર અને રાજસ્થાની શૈલીના જૂના સ્થાપત્યની ઝલક જોવા મળે છે. આ મંદિરની દિવાલો પર કોતરેલી શિલ્પકૃતિઓ કલાકારોની અદ્ભુત કારીગરીનો પુરાવો આપે છે.