કાળા કલરની કારમાં આવેલા ત્રણ શખ્સો લૂંટ ચલાવી નાસી છૂટ્યાની ખોટી સ્ટોરી ઉભી કરી
ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધી મુદ્દામાલ રીકવર કરવા તજવીજ હાથ ધરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ત્રંબા ગામ પાસે 37 લાખની લૂંટના બનાવમાં ફરિયાદી જ આરોપી નીકળતા આંગળીયા પેઢીના કર્મીએ જ તરકટ રચ્યું હોવાનો ઘટસ્ફોટ થતાં આજીડેમ પોલીસે ગુનો નોંધી રોકડ કબ્જે કરવાં તજવીજ હાથ ધરી છે જસદણની મહેન્દ્ર અરવિંદ નામની આંગડીયા પેઢીમાંથી 37 લાખ લઈ કર્મી ઢસાનો જગદીશ ચૌહાણ સફેદ કારમાં નીકળ્યો હતો તેને અણીયારા અને ત્રંબા ગામની વચ્ચે ભારત પેટ્રોલ પંપની નજીક કાળા કલરની કારમાં ઘસી આવેલ ત્રણ શખ્સો લૂંટ ચલાવી નાસી છૂટ્યાની સ્ટોરી ઘડી હતી.
જે બાદ આજીડેમ, ક્રાઇમ બ્રાન્ચ, એલસીબીની ટીમોએ દોડી જઇ તપાસ આદરી હતી અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે આગવીઢબે પૂછપરછ કરતાં જગદીશ ચૌહાણ ભાંગી પડ્યો હતો અને ગુનાની કબૂલાત કરી હતી.
- Advertisement -
બનાવ અંગે હાલ રાજકોટમાં મોરબી રોડ, રાધા મીરા સોસાયટીમાં રહેતા મુળ બહુચરાજીના દેથલી ગામના વતની સુમીતભાઈ અરવિંદભાઈ પટેલ ઉ.35એ કાળા કલરની નંબર પ્લેટ વગરની કારમાં આવેલા અજાણ્યા ત્રણ શખ્સો સામે આજીડેમ પોલીસ સ્ટેશનમાં લૂંટ અંગે નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ રાજકોટમાં છેલ્લા 13 વર્ષથી પરીવાર સાથે રહે છે.
રાજકોટ સોની બજારમાં પી. ઉમેશ આંગડીયા પેઢીમાં નોકરી કરે છે. તેમના મિત્ર મેહુલભાઈ રાઠોડ જેઓને જસદણમાં હિરા બજારમાં ગાયત્રી મંદિર પાસે પટેલ મેહેન્દ્ર અરવિંદ નામની આંગડીયા પેઢી આવેલ છે ફરીયાદીને મેહુલભાઈ પાસેથી કોટનના જીનના રૂ.34.55 લાખ લેવાના હતાં. મેહુલભાઇએ રૂ.34.55 લાખ તેઓની પેઢીમાં કામ કરતા જગદીશભાઈ ભરતસિંહ ચૌહાણ (રહે.ઢસા) ને આંગડીયા પેઢીમાં આપી દિધેલ હોય જેથી ગઈકાલે સવારના અગીયારેક વાગ્યાના વખતે તેઓએ આ જગદીશભાઈને ફોન કરી કહેલ કે, હુ પેમેન્ટ લેવા માટે જસદણ આવુ છુ, તો જગદીશે કહેલ કે, મારે આંગડીયા પેઢીમાં ઓછુ કામ છે, જેથી હુ રાજકોટ આવી પેમેન્ટ આપી જાવ છુ તેમ કહેતા તેને હા પાડેલ હતી ત્યાર બાદ બપોરના સાડા બારેક વાગ્યાના વખતે ફરી વખત જગદીશભાઈને ફોન કરી પેમેન્ટ બાબતે વાત કરતા તેઓએ કહેલ કે, હુ પેમેન્ટ લઇને મારી એસન્ટ ગાડી લઇને રાજકોટ આવવા નિકળુ જ છુ. ત્યારબાદ જગદીશનો ફોન આવ્યો હતો અને તેણે જણાવ્યું હતું કે અણીયારા અને ત્રંબા ગામની વચ્ચે મને લુંટી લીધો છે, તમે જલ્દી આવો તેમ વાત કરતા ફરીયાદી પહોચ્યા હતા અને તેને બનાવ બાબતે પુછતા જગદીશએ વાત કરેલ કે, હુ એકલો જસદણથી રૂ.34.55 લાખ થેલામાં ભરીને રાજકોટ તમને દેવા માટે આવતો હતો ત્યારે પેટ્રોલપંપ પહેલા એક કાળા કલરની ફોરવ્હીલ ગાડી આવેલ અને મારી ગાડીની આગળ આડી નાખી મારી ગાડી ઉભી રખાવેલ અને આ ગાડીમાંથી ત્રણ માણસો ઉતરી મારી પાસે આવી બંદુક જેવુ હથીયાર બતાવી ડરાવી ધમકાવી ગાડીમાં રહેલ પૈસા ભરેલ થેલો લઈને તેઓની કાળા કલરની નંબર પ્લેટ વગરની ગાડી લઇને જતા રહેલ છે.
તેઓ ત્રણેય કાળા કલરના ટી-શર્ટ પહેરેલ હતા અને મોઢા ઉપર રૂમાલ બાંધેલ હતા તેમ વાત કરેલ હતી. જે બાદ ફરીયાદીએ જગદીશને 100 નંબર ઉપર ફોન કરી પોલીસને જાણ કરવા કહેલ જેથી તેને 100 નંબર ઉપર ફોન કર્યો હતો બનાવ અંગે જાણ થતાં ડીસીપી સજ્જનસિંહ પરમાર સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયાં હતાં. સાથે આજીડેમ પીઆઈ એ.બી.જાડેજા અને ટીમ તેમજ એલસીબી ઝોન-1, ક્રાઈમ બ્રાન્ચ સહિતનો પોલીસ કાફલો પણ દોડી ગયો હતો અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે આંગળીયા પેઢીના કર્મી જગદિશસિંહને સકંજામાં લઈ ક્રાઈમ બ્રાન્ચે લઈ જઈ ઉલટ તપાસ કરતાં ફરિયાદીજ આરોપી નીકળ્યો હતો પોતે જ લૂંટનું તરકટ રચ્યાનું સામે આવ્યું હતું અને પોલીસે હાલ રૂ.34.55 લાખ કબ્જે કરી આજીડેમ પોલીસ મથકમાં ગુનો નોંધ્યો હતો.
આરોપીને લૂંટ કરવાનું કારણ શું હતું અને તેની સાથે ગુનામાં અન્ય કોઈ શખ્સો સંડોવાયેલ છે કે નહીં તે અંગે વધું તપાસ આદરી છે ત્રંબા પાસે રૂપિયા 37 લાખની લૂંટ પ્રકરણમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે તપાસનો ધમધમાટ આદર્યો હતો. જેમાં ફરિયાદીની પણ સાથે પૂછપરછ કરતા કડી મળી હતી. જેમાં ફરિયાદીને જસદણમાં આવેલા આંગળીયા પેઢીમાંથી રૂપિયા 37 લાખ લેવાના હતા જે રૂપિયા લેવા માટે પોતે જવાના હતા પરંતુ આરોપીએ હું આજે ફ્રી છું, તેમ કહી પોતે રૂપિયા દેવા આવવા નીકળ્યો હતો અને રસ્તામાં જ પ્રી પ્લાનિંગ મુજબ ગુનાને અંજામ આપ્યો હતો.