વ્હેલ માછલીની ઉલ્ટી વેંચાણની ગેરકાયદે પ્રવૃત્તિનો પર્દાફાશ
મુદ્દામાલની કિંમત 2.91 કરોડથી વધુ
ખાસ-ખબર ન્યૂઝ અમરેલી
- Advertisement -
અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમના ભંગ અંગે વિશેષ વોચ ગોઠવતા એલ.સી.બી.ની ટીમે દરિયાકાંઠે મળતી દુર્લભ અને મોંઘી વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ) વેચાણના કેસમાં બે શખ્સોને ઝડપી પાડી મોટા પાયે મુદ્દામાલ કબ્જે કર્યો છે.
એલ.સી.બી. પીઆઇ વી.એમ. કોલાદરાના નેતૃત્વ હેઠળ ટીમે બાતમી તથા ટેકનીકલ સોર્સ આધારે તળાજા તાલુકાના જુના રાજપરા ગામના કિશન ભુપતભાઈ બારૈયા અને દિનેશ સડાભાઈ ડોળાસીયાને ઝડપી પાડ્યા. પુછપરછમાં જાણવા મળ્યું કે આરોપીઓને રાજપરા-ગોપનાથ દરિયાકાંઠા પાસે માછીમારી દરમિયાન એમ્બરગ્રીસ મળી આવી હતી, જેને વેચવા તેઓ ગ્રાહક શોધી રહ્યા હતા.
કાર્યવાહીમાં પોલીસે ત્રણ ટુકડામાં કુલ 2.910 કિલોગ્રામ વ્હેલ માછલીની ઉલ્ટી, કિંમત રૂ. 2,91,00,000, મોબાઇલ ફોન 2 નંગ (રૂ. 17,000) અને એક મોટરસાયકલ (રૂ. 30,000) મળી કુલ રૂ. 2,91,47,000 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. મુદ્દામાલનું રેન્જ ફોરેસ્ટ ઓફિસર અને એફ.એસ.એલ. અધિકારી દ્વારા પરીક્ષણ કરી કાયદેસર કબ્જામાં લેવામાં આવ્યો છે. બંને આરોપીઓ વિરુદ્ધ વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરાઈ છે.
આ કામગીરીમાં પીઆઇ વી.એમ. કોલાદરા, પીએસઆઇ એમ.ડી. ગોહિલ, આર.એચ. રત્ન, કનાભાઈ સાંખટ, રાહુલભાઈ ચાવડા, જાહીદભાઈ મકરાણી, મહેશભાઈ મુંધવા, તુષારભાઈ પાંચાણી, પો.કોન્સ. રમેશભાઈ સીસારા અને શીવરાજભાઈ વાળા સહભાગી રહ્યા હતા.