ક્યારેય તમે વિચાર્યું છે કે કોઈ માણસ સફળ, તો કોઈ માણસ પોતાના જીવનમાં નિષ્ફળ થાય છે. કોઈ માણસ પૈસાદાર હોવા છતાં પોતાના જીવનમાં આગળ વધતો નથી, પરંતુ એક સામાન્ય કુટુંબમાં જન્મેલ વ્યક્તિ વિશ્ર્વનો સૌથી મોટો નેતા બને છે, તેની પાછળનું કારણ શું છે? હા, હું વાત કરી રહ્યો છું આપણા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીસાહેબની…
મુકેશ બુંદેલાની નજરે…
- Advertisement -
કોઈ કેટલું પણ કહે પરંતુ મોદીસાહેબની આ સફળતામાંથી આપણે ઘણું બધું શીખવા જેવું છે, મને મોદીસાહેબને મળવાનો અવસર નજીકથી સાથે બેસવાનો અવસર ઘણીવાર મળેલો. મેં તેમના જીવનનો અભ્યાસ કરીંને ઘણી બધી વિગતો તારવી છે, જેમાંથી આપણે મોદીસાહેબના જીવનમાંથી ઘણું બધું શીખી શકીશું.
તા. 17 સપ્ટેમ્બર 1950ના રોજ ગુજરાતના વડનગરમાં નરેન્દ્રભાઈનો જન્મ થયો હતો. તેમના નાનપણના કિસ્સાઓ ઉપરથી તેમની સાહસિકતા વિશે જાણવા મળે છે. સાત-આઠ વર્ષની ઉંમરે મગરમચ્છથી ભરેલા તળાવમાં તરીને મંદિર ઉપર ધજા લહેરાવી અને તે જ તળાવમાંથી એક મગરમચ્છના બચ્ચાંને પણ પકડીને પોતાના ઘરે લાવ્યા હતા અને તેમની માતાના સમજાવ્યા પછી બચ્ચાંને તળાવમાં છોડી આવ્યા. આ ઘટના બતાવે છે કે, સાહસિકતાના ગુણો તેમનામાં નાનપણથી જ હતા. બાળપણથી જ ગામના પછાત અને વંચિતોની દશા જોઈને નરેન્દ્રભાઈના દિલમાં કરૂણતા હતી. અસ્પૃશ્ય અને ભેદભાવની સામે સમાજને જાગૃત કરવા માટે તેમને ‘પીળું ફૂલ’ નામના એક નાટકની રચના કરી હતી. બાળપણથી જ નરેન્દ્રભાઈ કોઈ પણ કામને નાનું-મોટું સમજતા નહતા. બાળપણમાં વડનગર રેલ્વે સ્ટેશન પર પુરી લગનથી ચા વેંચતા અને નાનપણમાં જ તેમની માતા તરફથી તેમને ઈમાનદારીના સંસ્કાર મળ્યા હતા.
નાનપણથી જ નરેન્દ્રભાઈની અંદર દેશ માટે મરી ફીટવાની, કંઈક કરવાનો દ્દઢ સંકલ્પ હતો. 1962ના યુદ્ધના સમયે ભારતીય સેનાના જવાનોની હિંમત જોઈને તેમની ભાવના વધુ પ્રબળ બની હતી, મહેસાણા રેલવે સ્ટેશન પર સૈનિકોને ચા પીવડાવતી વખતે તેમને સંકલ્પ કર્યો કે, હવે આ જીવન દેશ માટે સમર્પિત કરવું છે. કિશોર વયે એનસીસી કેડેટના રૂપમાં પણ દેશભક્તિના મૂળિયા ઊંડા ઉતાર્યા અને મજબૂત બન્યા. જયારે પણ સમય મળે ત્યારે નરેન્દ્રભાઈ શાળાની લાયબ્રેરીમાં જઈને બેસતા, મહાપુરૂષના જીવનચરિત્ર વાંચતા અને તેમના મહાન વિચારને આત્મસાત કરવાના પ્રયત્ન કરતા. સ્વામી વિવેકાનંદ, બાબાસાહેબ આંબેડકર, મહાત્મા ગાંધી, વીર સાવરકર અને બેન્જામિનના વિચારોથી તેઓ ઘણા પ્રભાવિત થયા હતા. તેની અસર આજના તેમના આચરણ અને નિર્ણયોમાં પ્રતિબિંબિત થાય છે.
- Advertisement -
બાળપણમાં જ તેમનામાં રહેલા ગુણો જેવા કે, સાહસિકતા, કરૂણા, લગન, ઈમાનદારી, દ્દઢ સંકલ્પ, હિમ્મત, સમર્પણની ભાવના, દેશભકતો અને મહાપુરૂષોના જીવનચરિત્રો વાંચીને પણ તેઓમાં જબરદસ્ત નિર્ણય શક્તિના ગુણો ખીલવી શક્યા હતા.
યુવાઅવસ્થામાં આ જ ગુણો સાથે તેઓએ એક સામાન્ય કાર્યકર્તા તરીકે કામ કરવાનું શરૂ કર્યું. આ બધા જ ગુણોનું પ્રતિબિંબ તેમની કાર્ય-પદ્ધતિમાં દેખાયું. બાળપણમાં તેમણે ઘણો સંઘર્ષ કર્યો, પરંતુ તે સંઘર્ષમાંથી તેઓ જીવનમાં ઘણું શીખ્યા. તેઓએ મનમાં દ્દઢ સંકલ્પ કર્યો કે મારે દેશની સેવા કરવી છે અને ‘અશક્ય કંઈ પણ નથી’ તે માન્યતાથી તેઓએ એક સામાન્ય કાર્યકર્તા તરીકે કામ કરવાનું શરૂ કર્યું.
યુવાવસ્થામાં ડગ માંડતા જ જીવન પ્રત્યેનું નરેન્દ્રભાઈનું ચિંતન-મનન વધુ ગહન થતું ગયું. એક સમય એવો આવ્યો કે આંતરમનનો અવાજ સાંભળી યુવાન વયે તેઓ જીવનને જાણવા માટે કુદરતના સાંનિધ્યમાં હિમાલયના ખોળે અમુક વર્ષો સુધી બસ, ફક્ત બે જોડી કપડાં અને અગણિત સવાલોની સાથે નીકળી પડ્યા. હિમાલયમાં વિચરણ દરમિયાન જીવનનું લક્ષ્ય સ્પષ્ટ થઈ ચૂક્યું હતું. એક સ્વયંસેવકના રૂપમાં નરેન્દ્રભાઈએ એમનું જીવન દેશને સમર્પિત કરી દીધું. તેમણે દેશભરમાં યાત્રાઓ અને સભાઓ કરી. આ સમય દરમિયાન તેઓએ ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિવિધતા, સમાજના પછાત અને શોષણગ્રસ્ત લોકોની મુશ્કેલીઓ જાણી. લોકતંત્રને બચાવવા માટે મોદીસાહેબે કટોકટી સામે ફક્ત લડાઈ ન લડી પરંતુ કાર્યકર્તાઓને એક સાથે લાવી આંદોલનને વધુ પ્રબળ બનાવ્યું.
તેઓ રાજનીતિક કાર્યકર્તાની સાથે એક સંવેદનશીલ લેખક, કવિ અને સામાજીક ચિંતક હતા. તેઓએ બાળપણમાં કરેલું ‘પીળું ફૂલ’ નાટકની રચના, ગુજરાતીમાં ‘આંખ આ ધન્ય છે’ તેવા કાવ્ય સંગ્રહની રચના કરી તો ‘સાક્ષીભાવ’ ‘સામાજિક સમરસતા’ જેવા પુસ્તકોની પણ રચના કરી. વડાપ્રધાન હોવાની સાથે તેમણે તેમના વિદ્યાર્થીઓને ‘એક્ઝામ વોરિયર્સ’ પુસ્તકમાં પરીક્ષાનો તણાવ કેવી રીતે ઓછો કરવો તેના માટે મંત્ર આપ્યો.
ભાજપ અને નરેન્દ્ર મોદી, માની લો કે, માં અને પુત્ર, પાર્ટીએ જે પણ કામ સોંપ્યું, સંગઠનનું હોય કે સેવાનું તેમને પરિશ્રમના અંતિમપળ સુધી કર્યું. સ્થાનિક ચૂંટણી હોઈ કે વિધાનસભાની ચૂંટણીઓ, તેઓએ ઘણા રાજ્યોમાં પાર્ટીનો વિસ્તાર કર્યો, રાષ્ટ્રીય મહાસચિવ (સંગઠન)ને નાતે તેઓએ ભાજપને શિખર પર પહોંચાડવાના કામમાં જોડાઈ રહ્યા. બે સાંસદોવાળી પાર્ટીની 303 સાંસદો સુધીની યાત્રા નરેન્દ્રભાઈ મોદીના ઉત્કૃષ્ટ પરિશ્રમની કહાની છે.
તેમને જીવનમાં સૌથી મોટું સરપ્રાઈઝ અને ગિફ્ટ પાર્ટી તરફથી તેમને કામ પ્રત્યેની નિષ્ઠા જોઈને આપવામાં આવ્યું, જયારે શ્રી અટલબિહારી બાજપઈજીએ તેમને ફોન કરીને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પદ સંભાળવાનું કહ્યું ત્યારબાદ એક નવા જ ગુજરાતનો ઉદય થયો. ગુજરાતના મુખ્યમંત્રીના રૂપમાં તેમને કેટલાય અભૂતપૂર્વ પગલાં લીધા અને વિકાસના નવા કીર્તિમાન રચ્યા. તેમણે પડકારને અવસરમાં બદલી નાખ્યા. ખેતીથી લઈને પાણી પૂરું પાડવા સુધી, વીજળી જનરેટરથી લઇને પ્રદુષણ નિયંત્રણ સુધી, તમામ ક્ષેત્રોમાં ગુજરાતને નવી ઉંચાઈ પ્રાપ્ત કરાવી. તેમને ગુજરાત રાજ્યને ‘વાયબ્રન્ટ ગુજરાત’ની નવી ઓળખ આપી.
2001માં જયારે ગુજરાતનું મનોબળ નબળું પડી ગયું હતું, તે સમયે નરેન્દ્રભાઈએ રાજ્યની રાજધૂરા સંભાળી અને તેને સંપૂર્ણ રીતે બદલીને રાખી દીધી. ગુજરાત ઘણા ઓછા સમયમાં પોતાના સ્વર્ણિમ વિકાસથી ફક્ત દેશ માટે જ નહિ, પરંતુ સમગ્ર દુનિયા માટે વિકાસનું એક મોડેલ સાબિત કર્યું. ઈલેકટ્રિફિકેશનથી લઇ એન્ટરપ્રિનીયોરશિપ સુધી, એગ્રિકલ્ચરથી ઇન્ડસ્ટ્રી સુધી, તમામ ક્ષેત્રોમાં નીતિ અને પ્રશાસનનો એક શ્રેષ્ઠત્તમ ઉદાહરણ રજુ કર્યું. નરેન્દ્રભાઈ મોદીસાહેબના નેતૃત્વમાં એક એવો સમય આવ્યો કે ભારતની ઓળખ ગુજરાતથી થવા માંડી.
ભારતના ઇતિહાસમાં અને નરેન્દ્રભાઈના જીવનમાં 2014ની લોકસભા ચૂંટણી ઐતિહાસિક હતી. વડાપ્રધાનપદના ઉમેદવારના રૂપમાં નરેન્દ્ર મોદીના નામ પર પાર્ટીએ પહેલી વખત પોતાના દમ પર પૂર્ણ બહુમતી પ્રાપ્ત કરી અને લોકસભાની 282 બેઠકો જીતી. 2014ની સામાન્ય ચૂંટણીના પરિણામોએ ભારતીય રાજનીતિને સંપૂર્ણપણે બદલી નાખી. આ ચૂંટણીમાં તમામ વર્ગ, જાતિ અને પંથના લોકોને જોડી નરેન્દ્ર મોદીએ વડાપ્રધાનના રૂપમાં તેમની યાત્રાની શરૂઆત કરી.
નરેન્દ્રભાઈએ સાફ નિયત સાથે ભારતના સાચા વિકાસનું કામ આરંભ્યું અને એવા નિર્ણયો લીધા જે નિર્ણયો ભાગ્યે જ કોઈ ભૂતકાળના પ્રધાનમંત્રી લઇ શક્યા હોઈ, અભૂતપૂર્વ નિર્ણયો જેવા કે… કાળા નાણાં વિરૂદ્ધ એસઆઈટીની રચના, નોટબંધી, બેનામી સંપત્તિ સામે સખત કાયદો, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર જેવી ટેક્નોલોજી આધારિત યોજનાઓ, જી.એસ.ટી, સૈનિકોનો વન રેંક- વન પેન્શનનો મુદ્દ્ો, વાયુસેના અને રાફેલ, ‘દીકરી બચાવો, દીકરીને ભણાવો’, ઉજજવલા યોજના, મેટરનિટી બેનિફિટ એક્ટ, વડાપ્રધાન આવાસ યોજના, સ્વચ્છ ભારત અભિયાન, સિંગલ યુઝ પ્લાસ્ટિક અભિયાન, ‘વિકલાંગને બદલે દિવ્યાંગ શબ્દનો ઉપયોગ’, લાલબત્તી વી.આઈ.પી ક્લ્ચરને ગુડ બાય, ભુલાઈ ગયેલા નાયકોનું સન્માન, સૌભાગ્ય યોજના, ‘ગ્રામ ઉદયથી ભારત ઉદય, દેશવ્યાપી આંદોલન’, આયુષ્માન ભારત, પીપલ્સ એવોર્ડ, સર્જીકલ સ્ટ્રાઇક અને મન કી બાત જેવા કાર્યક્રમોથી સમગ્ર દેશવાસીઓને પોતાના મનની વાત કહેવામાં ક્યારેય અચકાતા નથી. વડાપ્રધાન તરીકે આટલી અભૂતપૂર્વ સિદ્ધિઓને કઈ ઓછી આંકી ન શકાય.
અંતમાં નરેન્દ્રભાઈ મોદી પાસે એ વાત શીખવા જેવી છે કે એક સફળ વ્યક્તિ બનવા માટે આપણું વ્યક્તિત્વ અને વર્તન કેવું હોવું જોઈએ, બાળક સાથે બાળક અને મોટા સાથે મોટા તેમજ વિશ્ર્વશક્તિ અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે હાથ પકડીને હાવડી મોદી કાર્યક્રમમાં આખા સ્ટેડિયમનું ચક્કર લગાવવું એ તેમના સાચા વ્યક્તિત્વની નિશાની છે અને આજે આપણે માનવાનું જ રહ્યું કે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી વિશ્ર્વના સર્વોત્તમ નેતા છે.



