ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.14
જૂનાગઢના હાટકેશ યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ જન્માષ્ટમી પર્વ નિમિત્તે હાટકેશ્વર મંદિર પાસે ભવ્ય ફ્લોટ તૈયાર કરવામાં આવ્યો છે. આ વર્ષે કૃષ્ણભક્તિની સાથે રાષ્ટ્રભક્તિનો પણ સમન્વય કરીને એક અનોખી થીમ રજૂ કરવામાં આવી છે, જેને શુક્રવારે (સાતમના દિવસે) સવારે રાજકીય અને સામાજિક આગેવાનોના હસ્તે ખુલ્લો મુકવામાં આવશે.
ફ્લોટના મુખ્ય આકર્ષણો: કૃષ્ણ લીલાની ઝાંખી સાથે ફ્લોટમાં સાંદિપની આશ્રમનું નિર્માણ કરીને ભગવાન શ્રીકૃષ્ણ અને સુદામાના જીવન પ્રસંગોને દર્શાવવામાં આવ્યા છે. ભવ્ય રંગોળીમાં આકર્ષણનું મુખ્ય કેન્દ્ર 70 ફૂટ લાંબી અને 20 હજાર મોતી જડેલી મખમલ (વેલવેટ) કાપડની રંગોળી રહેશે, જે નયનરમ્ય શણગારથી સુશોભિત છે. તેમજ રાષ્ટ્રભક્તિની થીમ સાથે સ્વાતંત્ર્ય દિવસના અનુસંધાનમાં દેશના જવાનોને બિરદાવવા માટે ’ઓપરેશન સિંદૂર’ ની વિશાળ થીમ અને સેલ્ફી પોઈન્ટ પણ તૈયાર કરવામાં આવ્યા છે. દર્શનાર્થીઓ માટે રંગબેરંગી લાઇટિંગ અને વિશિષ્ટ શણગારની વ્યવસ્થા કરવામાં આવી છે.
હાટકેશ યુવક મંડળ દ્વારા ઓપરેશન સિંદૂરની થીમ: 70 ફૂટ લાંબી રંગોળી અને સાંદિપની આશ્રમ નિર્માણ થીમ
