લક્ષ્મી નારાયણ ચોકથી આંબેડકર સ્ટેચ્યુ સુધી દેશભક્તિના માહોલ વચ્ચે યાત્રા નીકળી
ખાસ-ખબર ન્યૂઝ હળવદ
આગામી 15મી ઓગસ્ટ, સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે આજે હળવદ શહેરમાં એક વિશાળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. વહીવટી તંત્ર અને નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો, વિદ્યાર્થીઓ અને પદાધિકારીઓ જોડાયા હતા. તિરંગા યાત્રાનો શુભારંભ લક્ષ્મી નારાયણ ચોકથી થયો હતો. ત્યાંથી તે મેઈન બજાર, બસ સ્ટેશન રોડ થઈને ટીકર નાકા પર આવેલા ડો. બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ ખાતે પૂર્ણ થઈ હતી. આ યાત્રામાં હળવદ નગરપાલિકાના પ્રમુખ ફોરમબેન રાવલ, માર્કેટિંગ યાર્ડના ચેરમેન રજનીભાઈ સંધાણી, પૂર્વ મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી સહિત અનેક આગેવાનો, અધિકારીઓ અને વિદ્યાર્થીઓ જોડાયા હતા. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં દેશભક્તિની ભાવનાને વધુ પ્રબળ બનાવવાનો અને સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને ઉત્સાહભેર આવકારવાનો હતો. તિરંગા યાત્રા દરમિયાન સમગ્ર શહેરમાં દેશભક્તિનો માહોલ છવાયો હતો.