ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.12
79મા સ્વાતંત્ર્ય સપ્તાહની ઉજવણીના ભાગરૂપે જૂનાગઢ જિલ્લામાં ઉપરકોટ ખાતે ’હર ઘર તિરંગા’ અને ’હર ઘર સ્વચ્છતા’ અભિયાનની જાગૃતિ માટે એક ભવ્ય સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા. ’વંદે માતરમ’ અને ’ભારત માતા કી જય’ના જયઘોષ સાથે ઉપરકોટના ઐતિહાસિક પરિસરમાંથી આ રેલી પસાર થઈ, જેમાં દેશભક્તિનો અનેરો માહોલ છવાયો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો, જેમાં ઇન્ચાર્જ કલેક્ટર તેજસ પરમાર, ડે. મેયર આકાશ કટારા, શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલીયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકર, અને ડેપ્યુટી કમિશનર જાડેજા ઉપસ્થિત રહ્યા હતા, તેમણે ’હર ઘર તિરંગા’, સ્વચ્છતા અને સાયકલિંગના મહત્વ વિશે પ્રવચન આપ્યું હતું. આ પ્રસંગે, સાયકલિંગ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર નાગરિકોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. જિલ્લા રમતગમત અધિકારી મનીષ જીલડીયાએ સ્વાગત પ્રવચન અને આભાર વિધિ કરીને કાર્યક્રમનું સમાપન કર્યું હતું. આ સાયકલ રેલીએ દેશભક્તિ અને સ્વચ્છતાનો સંદેશો લોકો સુધી પહોંચાડવાનું એક અસરકારક માધ્યમ પૂરું પાડ્યું હતું.
ઉપરકોટ કિલ્લામાં ‘હર ઘર તિરંગા’ અને ‘હર ઘર સ્વચ્છતા’ અંતર્ગત સાયકલ રેલી યોજાઈ
