ધ્રાંગધ્રાના મેથાણ ગામમાં મંદિરમાં ચોરીનો કેસ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.11
ધ્રાંગધ્રા તાલુકાના મેથાણ ગામમાં રામજી મંદિરમાં થયેલી ચોરીના કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આ ઘટના 4 ઓગસ્ટ 2025ની રાત્રે 9 વાગ્યાથી 5 ઓગસ્ટ 2025ના સવારે 4:30 વાગ્યા દરમિયાન બની હતી.
આરોપી પ્રવિણ અમશીભાઇ પ્રભુભાઇ થરેશા એ મંદિરના ગર્ભગૃહનું તાળું તોડીને અંદર પ્રવેશ કર્યો હતો. તેણે મંદિરમાં બિરાજમાન ભગવાનની મૂર્તિઓને પહેરાવેલા ધાતુના ચાર હારની ચોરી કરી હતી.
ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુના નંબર 621/2025 અંતર્ગત ઇગજ કલમ 331(4) અને 305-ઉ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. સુરેન્દ્રનગર એલસીબી શાખાએ 8 ઓગસ્ટ 2025ના રોજ ઇગજ કલમ 35(1)(ઇ) અને 106 હેઠળ આરોપીની ધરપકડ કરી હતી. ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ પણ આરોપી પાસેથી જપ્ત કરવામાં આવ્યો છે. આરોપીને ધ્રાંગધ્રા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં કોર્ટે તેને ત્રણ દિવસના રિમાન્ડ પર મોકલ્યો છે. આરોપી 11 ઓગસ્ટ 2025 સુધી પોલીસ કસ્ટડીમાં રહેશે. હાલ પોલીસ આ કેસમાં વધુ તપાસ કરી રહી છે.