ફેસ-2ની કામગીરી માટે 61 જેટલા મિલકત ધારકોને બોલાવી તંત્ર દ્વારા ચર્ચાઓ પણ કરાઇ
કોરિડોર મામલો: સોમનાથ સાનિધ્યે ફરી બેઠકનું આયોજન, પ્રભાસ પાટણ હિત રક્ષક સમિતિની રચના
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ સાનિધ્યે અંદાજે 25 હજાર ચોરસ મીટર અને 7 ફેઝમાં નિર્માણ પામનાર કોરીડોરની કામગીરીને લઈને છેલ્લા 4 દિવસથી સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.કારણકે તંત્રના અધિકારીઓ પોતાની રીતે તમામ કામગીરીઓ કરી રહ્યા હતા અને બેઠકો પણ કરી રહ્યા હતા પરંતુ અત્યાર સુધી તંત્ર દ્વારા મિલકત માટે કોઈ ચોક્કસ કિંમત જાહેર કરવામાં આવી ન હતી.ગઈકાલે પ્રાંત અધિકારી અને સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા કિંમત પણ જાહેર કરવામાં આવી છે પરંતુ તેનાથી સ્થાનિકોને સંતોષ ન હોય તેવું જણાઈ રહ્યું છે.બીજી તરફ પ્રભાસ પાટણના બ્રહ્મપુરી ખાતે આગેવાનોની ઉપસ્થિતિમાં સમસ્ત ગ્રામજનોની બેઠક યોજાઈ હતી.જેમાં અત્યાર સુધી તંત્ર દ્વારા જે વાતો કરવામાં આવી હતી તે તમામ બાબતે ચર્ચા કરવામાં આવી હતી અને કોઈ પણ ભોગે મિલ્કતો આપવાની નથી તેવો સૂર ઉઠ્યો હતો તેમજ આગામી નિર્ણયો લેવા માટે પ્રભાસ પાટણ હીત રક્ષક સમિતિની રચના કરવામાં આવી છે.જે આગામી દિવસોમાં તમામ મિલકત ધારકોનું પ્રતિનિધિત્વ કરી સરકાર સાથે વાટાઘાટોમાં આગળ વધશે અને જે નિર્ણય કરશે તે સૌને શિરોમાન્ય રહેશે તેવા પણ સહમતિ પત્રકો તમામને આપવામાં આવશે અને આગામી દિવસોમાં આ સમિતિ સરકાર સાથે મિલ્કતો બાબતે ચર્ચાઓ કરી યોગ્ય નિર્ણય લાવવા માટે સહભાગી થશે. ગઈકાલે પ્રાંત અધિકારીએ જે મિલકતોનું અધિગ્રહણ કરવાનું હોય ત્યારે તેની અસરકર્તાઓ માટે કિંમત જાહેર કરી છે જેમાં તેઓએ જણાવ્યું હતું કે મિલકતધારકોને વર્ષ 2011 મુજબ જંત્રી ભાવના ચાર ગણા અને બાંધકામના ઘસારો બાદ કરીને બે ગણા રૂપિયા ચુકવવાની જાહેરાત કરવામાં આવી છે.ઉપરાંત વધારાના 15 થી 20 ટકા વળતર માટે પણ સરકારમાં દરખાસ્ત કરવામાં આવશે.
સ્થાનિકોની રજૂઆતો સાંભળી અને તંત્ર સમક્ષ તેમની વાત મૂકી છે
સ્થાનિક લોકોને ગઈકાલે પણ મળ્યો હતો અને આજે પણ મળ્યો છું તેમની રજૂઆતો સાંભળી અને તંત્ર સમક્ષ તેમની વાત મૂકી છે આગામી દિવસોમાં સ્થાનિકો જે નક્કી કરશે તેમની સાથે રહીશ.ઉપરાંત પ્રાંત અધિકારી દ્વારા જે ગેરવર્તણૂક કરવામાં આવી હતી તે બાબતે પણ ધ્યાન દોરી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં જે કઈ પણ કામગીરી હોય તે પૂર્ણ થાય તે અંગે તંત્રનું ધ્યાન દોર્યું છે અને કલેક્ટર દ્વારા પણ સકારાત્મક અભિગમ દાખવવામાં આવ્યો છે. – વિમલ ચુડાસમા ( ધારાસભ્ય-સોમનાથ)
384 અસરગ્રસ્ત મિલકતોની સરકાર દ્વારા યાદી તૈયાર કરવામાં આવી
વહીવટી તંત્ર દ્વારા પ્રભાસ પાટણની 384 મિલકતોની સૂચિ તૈયાર કરવામાં આવી છે.જેમાં 241 રહેણાંક મકાન, 72 હોટલ અને ગેસ્ટ હાઉસ,9 ધાર્મિક મિલ્કતો,3 જ્ઞાતીની વાડી,3 ધર્મશાળા,6 દુકાન,23 ખુલ્લા પ્લોટ અને 22 સરકાર હસ્તકની મિલકતોનો સમાવેશ થાય છે.
- Advertisement -
અન્ય વિસ્તારમાં આટલી કિંમતમાં મકાન નહીં મળે
તંત્ર દ્વારા અમને મિલકત બાબતે જે ભાવો માટે સમજણ આપવામાં આવી છે તેનો ભાવ લગભગ 100 ગજનો ભાવ અંદાજે 27 લાખથી 28 લાખ રૂપિયા થાય છે અને તેનાંથી થોડુંક મોટું હોય તો 35 લાખ જેટલી રકમ મળે તેમ છે પરંતુ અહીંથી બહાર નીકળીને આટલી કિંમતમાં મકાન મળે તેમ નથી. – હેમલ ભટ્ટ (પ્રમુખ, સોમપુરા બ્રાહ્મણ સમાજ)
તંત્ર દ્વારા કહેવામાં આવ્યું હતું કે, ભાડે મકાન અમે શોધી આપીશું
તંત્રએ કહ્યું કે તેમને ભાડે મકાન ગોતી દેશું પરંતુ એક સાથે 40 થી 50 મકાન ભાડે ન મળી શકે અને મળે તો ત્યાં ભાડા પોસાય તેમ ન હોય.હવે આગામી દિવસોમાં સમિતિની રચના કરવામાં આવી છે તે જે કરવાનું થશે તે બધાને સાથે રાખીને કરશે. – બાલાભાઈ શામળા ( રબારી સમાજ આગેવાન)