એકાદ મહિનાથી સાર્વત્રિક વરસાદ નથી
હવે રાજય સરકાર નર્મદાનું પાણી આપશે: ખેતી તથા પીવાના પાણીને ધ્યાનમાં રાખીને નિર્ણય
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સૌરાષ્ટ્રમાં છેલ્લા એકાદ મહિનાથી સાર્વત્રીક વરસાદ નથી અને છુટાછવાયા ઝાપટાથી મધ્યમ વરસાદ જ વરસી રહ્યો છે. પરીણામે ખેતી માટેના આ મહત્વના ક્ષેત્રમાં વરસાદની ખાધ ઉભી થઈ છે અત્યાર સુધીમાં વાવેતર ઘણુ સારૂ થયુ છે. પરંતુ વરસાદ વિના ચિંતા ઉભી થઈ શકે છે.
ગત વર્ષની સરખામણીએ સૌરાષ્ટ્રમાં વરસાદની 22 ટકાની ઘટ છે. આ સ્થિતિને ધ્યાને રાખીને રાજય સરકારે સૌરાષ્ટ્રને નર્મદાનું પાણી આપવાનો નિર્ણય લીધો છે.
ગુજરાતના પાંચેય વરસાદી ઝોનમાંથી સૌથી ઓછો વરસાદ સૌરાષ્ટ્ર ઝોનમાં રહ્યો છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના રીપોર્ટ મુજબ પાંચ ઝોનમાંથી દ.ગુજરાતમાં સૌથી વધુ 67.73 ટકા વરસાદ છે. મધ્ય ઝોનમાં 66.27 ટકા, ઉતર ગુજરાતમાં 66.20 ટકા કચ્છમાં 64.88 ટકા, સૌરાષ્ટ્રમાં માત્ર 51.80 ટકા વરસાદ થયો છે.
રાજ્યમાં 1લી જૂનથી શરૂ થયેલો વરસાદ ઓગષ્ટમાં ખેંચાયો છે. જ્યારે સારા વરસાદની અપેક્ષાએ રાજ્યમાં અત્યાર સુધીમાં રાજ્યના કુલ સરેરાશ વાવેતર વિસ્તાર 85.57 લાખ હેક્ટરમાંથી 70.47 લાખ હેક્ટર એટલે કે 82.35 ટકા જમીનમાં વિવિધ પાકોનું વાવેતર થઈ ચૂક્યું છે. એમાં પણ સૌથી વધુ 36.20 લાખ હેક્ટર જમીનમાં સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં મગફળી, તુવેર અને સોયાબિન સહિતના પાકોનું વાવેતર થયું છે. હવે આ ચોમાસામાં સૌરાષ્ટ્રના આ જિલ્લાઓમાં તેના સરેરાશ 748 મીમી વરસાદની સામે હજુ સુધી માંડ 417 મીલીમીટર એટલે કે 56 ટકા વરસાદ થયો છે. જે ગત વર્ષની સરખામણીમાં 22 ટકા જેટલો ઓછો છે.
આવી પરિસ્થિતિમાં વાવેતર અને ખેતીને બચાવવા માટે રાજ્ય સરકારે 8મી ઓગષ્ટ-2025ના બુધવારના રોજ સૌરાષ્ટ્રના નાગરિકો અને ખેડૂતોને નર્મદાના વધારાના પાણીમાંથી સૌની યોજના મારફતે પાણીનો જથ્થો આપવાનો અને પાકને બચાવવા સિંચાઈની સવલત મળી રહે તે માટે સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં હવે 8 કલાકને બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કર્યો છે. એવી જ રીતે આ વખતે આગામી સમયમાં જરૂરિયાત જણાશે તો ઉત્તર ગુજરાતમાં પણ સુજલામ સુફલામ મારફતે પાણી આપવાનું નક્કી કરાયું છે.
- Advertisement -
સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં પાણી અને ખેતી માટે વીજળી આપવાનો નિર્ણય
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકમાં રાજ્ય સરકારે લીધેલા નિર્ણયની માહિતી આપતાં પ્રવક્તા મંત્રી પ્રવક્તા મંત્રી ૠષિકેશ પટેલે કહ્યું હતું કે, વરસાદ લંબાવાને કારણે સર્જાયેલી પરિસ્થિતિ અને લોકોની રજૂઆતોને ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્રના નાગરિકો અને ખેડૂતોને નર્મદાના વધારાના પાણીમાંથી સૌની યોજના મારફતે પાણીનો જથ્થો આપવાનો નિર્ણય કરાયો છે. રાજ્યના નાગરિકો અને ખેડૂતોને કોઈપણ પ્રકારની હાલાકી ન પડે, સમયસર પીવા તેમજ સિંચાઇનું પાણી મળી રહે તે માટે નર્મદાના વધારાના પાણીને સૌરાષ્ટ્રના નાગરિકોને સૌની યોજના મારફતે અપાશે. આ વર્ષે ગુજરાતના કેટલાક વિસ્તારમાં ખૂબ જ સારો વરસાદ જોવા મળ્યો છે. જ્યારે અન્ય કેટલાક વિસ્તારોમાં વરસાદ ખેંચાયો છે. એવી જ રીતે ઉત્તર ગુજરાતમાં પણ કેટલાક વિસ્તારમાં વરસાદ ખેંચાયો છે એટલે ઉત્તર ગુજરાતના નાગરિકોની રજુઆત આવશે તો તેમને પણ પરિસ્થિત અને પાણીનાં જથ્થાને ધ્યાનમાં રાખીને સુજલામ સુફલામ મારફતે પાણી આપવામાં આવશે.