રમેશભાઈ રબારીએ કલેક્ટરને પુલ પર લોખંડની જાળી લગાવવા લેખિત રજૂઆત કરી
ખાસ-ખબર ન્યૂઝ મોરબી
મોરબીની મચ્છુ નદી પર આવેલા જૂના આરટીઓ પુલ પરથી વધી રહેલા આત્મહત્યાના કિસ્સાઓને અટકાવવા માટે સ્થાનિક નાગરિક રમેશભાઈ રબારીએ મોરબી જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે.
- Advertisement -
આ રજૂઆતમાં તેમણે જણાવ્યું છે કે, મચ્છુ નદી પરના આ પુલ પર છેલ્લા ઘણા વર્ષોથી અનેક લોકોએ આપઘાત કર્યો છે. ખાસ કરીને છેલ્લા કેટલાક સમયથી આ પ્રકારની ઘટનાઓની સંખ્યામાં વધારો થયો છે, જે અત્યંત ચિંતાજનક છે.
રમેશભાઈએ સૂચન કર્યું છે કે જો પુલની બંને બાજુ લોખંડની મજબૂત અને ઊંચી જાળી લગાવવામાં આવે તો આત્મહત્યાની ઘટનાઓ અટકાવી શકાય છે. આ ઉપરાંત, તેમણે એમ પણ જણાવ્યું છે કે જૂની આરટીઓ ઓફિસ પાસેના આ પુલ પર નદીમાં જવા માટે જે રસ્તાઓ છે, તેને પણ દીવાલ ચણીને બંધ કરી દેવા જોઈએ. આમ, તાત્કાલિક ધોરણે આ પ્રકારની કાર્યવાહી કરીને લોકોના જીવ બચાવવા માટે કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.