8થી 15 ઓગસ્ટ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાશે, કાર્નિવલ પરેડનું પણ આયોજન
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.7
આઝાદીના 79મા વર્ષની ઉજવણીના ભાગરૂપે મોરબી જિલ્લામાં આગામી 8 થી 15 ઓગસ્ટ દરમિયાન ’હર ઘર તિરંગા’ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. લોકોમાં દેશભક્તિની લાગણી જગાડવા અને તિરંગા વિશે જાગૃતિ ફેલાવવા માટે જિલ્લા કક્ષાની એક સમિતિની રચના કરવામાં આવી છે. આ અભિયાનના ભાગરૂપે જિલ્લા કક્ષાએ એક ભવ્ય કાર્નિવલ પરેડનું પણ આયોજન કરવામાં આવશે. જેમાં પોલીસના જવાનો, શાળાના બાળકો, પરંપરાગત લોકનૃત્યના કલાકારો, પોલીસ બેન્ડ, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ, રમતવીરો, યુવક બોર્ડ, યોગ બોર્ડ, જિલ્લાની આઇકોનિક વ્યક્તિઓ અને અન્ય નાગરિકો મોટી સંખ્યામાં ભાગ લેશે.
- Advertisement -
આ કાર્યક્રમમાં વિવિધ એસોસિએશનો, સંસ્થાઓ, એનજીઓ, ફેક્ટરીઓ, બાંધકામ સ્થળોના શ્રમિકો, એપીએમસી, સહકારી મંડળીઓ, ખેડૂત સંસ્થાઓ, સરકારી હોસ્પિટલો, તબીબી સંસ્થાઓ, શાળાઓ અને કોલેજો સહિત સમગ્ર જિલ્લાના લોકોને આવરી લેવામાં આવશે.
આ અભિયાન અંતર્ગત મોરબી જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજાશે
ધ્વજારોહણ અને વિતરણ: દરેક સરકારી અને જાહેર ઇમારતો પર તિરંગો લહેરાવવામાં આવશે અને વિવિધ સ્થળોએ તિરંગાનું વિતરણ કરવામાં આવશે.
સ્વચ્છતા અભિયાન: ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં સ્વચ્છતા જાળવણી માટે સ્વચ્છતા ડ્રાઈવનું આયોજન થશે.
સેલ્ફી પોઇન્ટ: લોકોને તિરંગા સાથે સેલ્ફી લેવા માટે વિવિધ સ્થળોએ સેલ્ફી પોઇન્ટ ઊભા કરવામાં આવશે.
કલાત્મક પ્રવૃત્તિઓ: દેશભક્તિ અને સ્વચ્છતાની થીમ પર વોલ પેઈન્ટિંગ અને વોલ ડેકોરેશનનું આયોજન થશે.
શાળા-કોલેજોમાં સ્પર્ધાઓ: શાળાઓ અને કોલેજોમાં રંગોળી સ્પર્ધા, રાખી સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને તિરંગા ક્વિઝ સ્પર્ધાઓ યોજાશે, જેમાં વિજેતાઓને પ્રોત્સાહિત કરવામાં આવશે.
પત્ર લેખન અને મીટિંગ્સ: બાળકો દ્વારા આર્મ ફોર્સ અને પોલીસ વિભાગને પત્રો લખવાની પ્રવૃત્તિ થશે અને ’હર ઘર તિરંગા’ કાર્યક્રમ અંતર્ગત પેરેન્ટ્સ-ટીચર મીટિંગ્સ પણ યોજાશે.
- Advertisement -