સાંસદ રાજેશ ચુડાસમા દ્વારા કેન્દ્રીય મંત્રીને માર્ગ મુદ્દે રજૂઆત
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.7
જૂનાગઢ અને ગીર સોમનાથના સાંસદ રાજેશ ચુડાસમાએ કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં, ચુડાસમાએ તેમના લોકસભા વિસ્તારના કેટલાક મહત્વના માર્ગોને લગતા મુદ્દાઓ રજૂ કર્યા હતા અને તેમના ઝડપી નિરાકરણ માટે અપીલ કરી હતી.
- Advertisement -
રાજેશ ચુડાસમાએ ખાસ કરીને સોમનાથ-જેતપુર નેશનલ હાઈવેનું કામ વહેલી તકે પૂર્ણ કરવા પર ભાર મૂક્યો હતો. આ હાઈવેનું કામ પૂર્ણ થવાથી આ વિસ્તારના લોકોને ઘણી સુવિધા મળશે. તેમણે ગડુ-માધવપુર રોડને ફોરલેન બનાવવાની પણ માંગણી કરી હતી, જેનાથી પ્રવાસન અને સ્થાનિક વિકાસને વેગ મળશે. આ રોડ પર યાત્રા કરતા પ્રવાસીઓને પણ સરળતા રહેશે.વધુમાં, ચુડાસમાએ વડાલ ગામ પાસેના એક ’બ્લેક સ્પોટ’ (અકસ્માત સંભવિત સ્થળ)ને તાત્કાલિક દૂર કરવા માટે ઓવરબ્રિજ બનાવવાની રજૂઆત કરી હતી, જેથી અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થઈ શકે. આ ઉપરાંત, તેમણે પોતાના લોકસભા વિસ્તારમાં આવતા વિવિધ નેશનલ હાઈવેના અન્ય મુદ્દાઓ પર પણ વિસ્તૃત ચર્ચા કરી હતી. મંત્રી ગડકરીએ આ તમામ મુદ્દાઓને ધ્યાને લઈને તેના પર યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. આ મુલાકાત જૂનાગઢ-ગીર સોમનાથ વિસ્તારના માર્ગોના વિકાસ માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.