ગેરકાયદે દબાણ, રોડ ખાડા અને ટ્રાફિક જામની સમસ્યા નિવારવા તાત્કાલિક પગલાં લેવા તાકીદ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશે આજે કલેક્ટર કચેરી ખાતે જિલ્લા માર્ગ સલામતીની એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા, માર્ગ અને મકાન વિભાગ અને રૂડા સહિતના વિવિધ વિભાગોની કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી.
- Advertisement -
બેઠકમાં કલેક્ટરે માર્ગ પરના ગેરકાયદે દબાણો, ટ્રાફિક જામ, ગેરકાયદે તોડવામાં આવેલા ગેપ-ઈનમીડિયન, ક્ષતિગ્રસ્ત સર્વિસ રોડ અને મુખ્ય માર્ગો પરના ખાડાઓમાં પેચવર્ક કરવાની કામગીરી અંગે સઘન સમીક્ષા કરી હતી. તેમણે સંબંધિત અધિકારીઓને આ તમામ બાકી કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવા માટે તાકીદ કરી હતી.
કલેક્ટરે ખાસ કરીને રેસ્ટોરન્ટ અને પેટ્રોલ પંપ આસપાસ ગેરકાયદે ગેપ-ઈનમીડિયન તોડીને રસ્તો બનાવનારા લોકો સામે કડક દંડનીય કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
કારણ કે આ પ્રવૃત્તિઓને કારણે જીવલેણ અકસ્માતો સર્જાય છે. ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને, વાહનચાલકોને કોઈ તકલીફ ન પડે તે માટે ક્ષતિગ્રસ્ત રસ્તાઓનું ઝડપી સમારકામ કરવા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. આ બેઠકમાં રાજકોટના પોલીસ અધિક્ષક હિમકરસિંહે પણ મહત્વના સૂચનો આપ્યા હતા. તેમણે નેશનલ હાઈવે ઉપર અકસ્માત બાદ થતા ટ્રાફિક જામની સમસ્યાનો ઉકેલ લાવવા માટે નેશનલ હાઈવે ઓથોરિટીને તાત્કાલિક ધોરણે ક્રેઈન અને અન્ય જરૂરી મશીનરીની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું, જેથી અકસ્માતગ્રસ્ત વાહનોને ઝડપથી હટાવી શકાય.