ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.6
મોરબી જિલ્લાના ટંકારામાં આવેલા ઓરપેટ કોમર્સ કોલેજ ખાતે ’નારી વંદન ઉત્સવ’ સપ્તાહના ભાગરૂપે ’મહિલા સુરક્ષા દિવસ’ની ઉજવણી માટે એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓને શારીરિક અને આર્થિક રીતે સશક્ત બનાવવાનો હતો.
આ કાર્યક્રમમાં દીકરીઓને તેમના હકો માટે જાગૃત કરવા અને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લઈ આત્મનિર્ભર બનવા માટે પ્રેરણા આપવામાં આવી હતી. ઉપસ્થિત મહિલાઓને ઘરેલુ હિંસા અધિનિયમ, પોલીસની સી-ટીમની કામગીરી અને વિવિધ હેલ્પલાઇન નંબરો વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી. ઉપરાંત, મહિલાઓની સુરક્ષા, સહાય અને વિકાસને લગતી સરકારી યોજનાઓ વિશે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું.
- Advertisement -
આ પ્રસંગે, ટંકારા ઓરપેટ ક્ધયા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓએ આત્મરક્ષણ (સેલ્ફ ડિફેન્સ) અને કરાટેના દાવનું ઉત્સાહપૂર્વક નિદર્શન કર્યું હતું. આ કાર્યક્રમમાં નાયબ પોલીસ અધિક્ષક વિરલ દલવાડી, જિલ્લા મહિલા અને બાળ અધિકારી જલ્પાબેન ત્રિવેદી, સામાજિક અગ્રણી અરવિંદભાઈ માંડવિયા, ઓરપેટ સંકુલના ડાયરેક્ટર ગોપાલભાઈ, પોલીસ વિભાગના અધિકારીઓ, શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી. આ કાર્યક્રમ મહિલાઓના સશક્તિકરણ અને સુરક્ષા અંગે જાગૃતિ ફેલાવવામાં મદદરૂપ થયો હતો.