“માનનીય ન્યાયાધીશોના આદર સાથે, તેઓ નક્કી કરતા નથી કે સાચો ભારતીય કોણ છે. સરકારને પ્રશ્ન કરવો એ વિપક્ષી નેતાનું કર્તવ્ય છે,” કોંગ્રેસ સાંસદ પ્રિંયંકા ગાંધી
માનહાનિ કેસમાં રાહુલ ગાંધી પર સુપ્રીમ કોર્ટની ટિપ્પણી પર કોંગ્રેસ સાંસદ પ્રિંયંકા ગાંધીની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે, ‘રાહુલ ગાંધીના નિવેદનનો ખોટો અર્થ કાઢવામાં આવી રહ્યો છે. હું સન્માન સાથે કહેવા ઈચ્છુ છું કે, ન્યાયાધીશ એ નક્કી ન કરી શકે કે, કોણ સાચો ભારતીય છે. આ વિપક્ષના નેતાનું કામ છે. તેમની ફરજ છે સરકારને સવાલ પૂછવો.’
- Advertisement -
પ્રિયંકા ગાંધીએ કર્યો બચાવ
આ સિવાય પ્રિયંકા ગાંધીએ રાહુલ ગાંધીનો બચાવ કરતા કહ્યું કે, ‘મારો ભાઈ ભારતીય સેના સામે ક્યારેય કંઈ નહીં કહે. તે સેનાનું સૌથી વધુ સન્માન કરે છે.’
શું હતી ઘટના?
- Advertisement -
પ્રિયંકા ગાંધીની આ પ્રતિક્રિયા સુપ્રીમ કોર્ટની રાહુલ ગાંધી પર ટિપ્પણીને લઈને સામે આવી છે. હકીકતમાં, સોમવારે (4 ઓગસ્ટ) આ મામલે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ દીપાંકર દત્તાએ રાહુલ ગાંધીને સવાલ કર્યો હતો કે, ‘તમને કેવી રીતે ખબર કે, ભારતની બે હજાર વર્ગ કિ.મી જમીન પર ચીને કબ્જો કર્યો છે? શું તમે ત્યાં હાજર હતા? શું તમારી પાસે કોઈ વિશ્વસનીય જાણકારી છે? જો તમે સાચા ભારતીય હોત, તો આવું ન બોલત.’
સેના વિરૂદ્ધ નિવેદન?
નોંધનીય છે કે, રાહુલ ગાંધીએ વર્ષ 2022માં ‘ભારત જોડો યાત્રા’ દરમિયાન સેના અને ભારતીય જમીન પર ચીનના કબ્જાને લઈને નિવેદન આપ્યું હતું. જેને લઈને તેમના પર માનહાનિનો દાવો કરવામાં આવ્યો હતો.
રાહુલ ગાંધીએ શું કહ્યું હતું?
આ વિવાદિત નિવેદનમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ‘લોકો ભારત જોડો યાત્રા વિશે સવાલ કરશે, પરંતુ તે એ વિશે ક્યારેય સવાલ નહીં કરે કે, ચીને અરૂણાચલ પ્રદેશમાં 20 ભારતીય જવાનોની હત્યા કરી ભારતની બે હજાર વર્ગ કિ.મી જમીન પર કબ્જો કરી લીધો છે. ભારતીય મીડિયા આ વિશે ક્યારેય સવાલ નહીં કરે.’