ખાસ-ખબર ન્યૂઝ અમરેલી
અમરેલી જિલ્લાના ધારી, સાવરકુંડલા, રાજુલા અને જાફરાબાદ રેન્જમાં છેલ્લા બે મહિનામાં સિંહોના મૃત્યુની ઘટનાઓ વધતા રાજકીય વર્તુળોમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જાફરાબાદ રેન્જમાં ત્રણ સિંહબાળના મૃત્યુ અને ત્યારબાદ રાજુલા નજીક માંડરડી ગામમાં એક સિંહણનો મૃતદેહ મળી આવતા વન વિભાગની કામગીરી પર સવાલો ઉભા થયા છે. આ ઘટનાને પગલે ધારીના ધારાસભ્ય જે.વી. કાકડીયાએ વનમંત્રી મૂળુભાઈ બેરાને પત્ર લખીને ગંભીર રજૂઆત કરી છે.
- Advertisement -
ધારાસભ્ય જે.વી. કાકડીયાએ પોતાના પત્રમાં વન વિભાગની કામગીરીને “સંતોષકારક ન હોવાનું” જણાવ્યું છે અને વન્ય પ્રાણીઓની સુરક્ષા માટે વિશેષ ધ્યાન આપવા સૂચન કર્યું છે. પત્રમાં તેમણે પાલીતાણા શત્રુંજી ડિવિઝન અને ધારી પૂર્વ ગીર ડિવિઝનમાં સિંહોના મૃત્યુના બનાવોનો ઉલ્લેખ કર્યો છે.
ધારાસભ્યએ જણાવ્યું કે સિંહોના મૃત્યુનું કારણ કોઈ વાયરસ હોવાનું જાણવા મળ્યું છે, તેમ છતાં વન વિભાગના ટ્રેકર્સ કે અધિકારીઓના ધ્યાનમાં આ બાબત કેમ ન આવી તે ગંભીર બાબત છે. જો સમયસર તપાસ થઈ હોત તો આ મૃત્યુ અટકાવી શકાયા હોત.
પત્રમાં તેમણે થોડા સમય પહેલા દીપડાના હુમલામાં માનવ મૃત્યુના બનાવોનો પણ ઉલ્લેખ કર્યો, જેમાં પણ વન વિભાગની બેદરકારી જોવા મળી હતી.
કાકડીયાએ ભારપૂર્વક જણાવ્યું કે સમગ્ર એશિયામાં માત્ર ગીર વિસ્તારમાં જ એશિયાટિક સિંહો વસવાટ કરે છે, તેથી તેમના સંરક્ષણ અને સંવર્ધનની જવાબદારી માત્ર વન વિભાગની જ નહીં, પરંતુ સૌ નાગરિકોની છે. તેમણે વન વિભાગને વન્યપ્રાણીઓની સુરક્ષા માટે પૂરતું ધ્યાન આપવા વિનંતી કરી છે. હાલ વન વિભાગ દ્વારા સિંહોના મોત પાછળના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે.