બોટાદથી ગીતાબેનને ડિલિવરી બાદ અચાનક જ તબિયત બગડી હતી પરંતુ તેની તાત્કાલિક સારવાર કરતા માતા અને બાળક બન્ને સ્વસ્થ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.1
રાજકોટ ઝનાના હોસ્પિટલની કાબિલેદાદ કામગીરી સામે આવી છે. ઝનાના હોસ્પિટલના આસિસ્ટન્ટ પ્રોફેસર અને ડો. હેમાલી નૈનુજીએ જાણકારી આપી હતી કે, 14 જુલાઈના રોજ બોટાદથી ગીતાબેન જયદેવભાઈ નામના મહીલા દર્દી ડિલિવરી માટે દાખલ થયા હતા. રાત્રે 9.45 વાગ્યે ગીતાબેનની ડિલિવરી કરવામાં આવી હતી ત્યારબાદ તેમને અચાનક જ શ્વાસ લેવામાં મુશ્કેલી પડી રહી હતી. બ્લડ પ્રેશર ઘટી ગયું હતું અને બ્લિડીંગ એકદમ થતું હતું. તેથી તાત્કાલિક ધોરણે દર્દીને ઓપરેશન થિયેટરમાં જરૂરી સારવાર અપાઈ હતી અને શ્વાસ લેવામાં થતી તકલીફના લીધે એનેસ્થેટિક ડોક્ટરને બોલાવ્યા. બ્લિડીંગ થતું માટે તાત્કાલિક ફિઝિશિયનને બોલાવી ટીમ વર્ક કરીને મહિલા દર્દીને સાજા કર્યા. ડો.હેમાલી નૈનુજીએ વધુમાં કહ્યું કે, 30થી 40 દર્દીમાંથી એકને આ સમસ્યા ઉદભવે છે અને જો તાત્કાલિક આની સારવાર ન કરાય તો દર્દીનું મૃત્યું પણ થઈ શકે છે. અંદાજે 15થી 20 તબીબ તથા નર્સની ટીમ દ્વારા મહિલાનું ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. જેમાં ગાયનેક, એનેસ્થેટિક તથા ફિઝિશિયનની ટીમ પણ આવે છે. ડોક્ટરે કહ્યું કે, આ ઓપરેશનનો ખર્ચ ખાનગી હોસ્પિટલમાં અંદાજે 8થી 10 લાખ આવે છે.
- Advertisement -
ગાયનેક, એનેસ્થેટિક, ફિઝિશિયન, નર્સિંગ સ્ટાફ સહિત 15થી 20 લોકોની ટીમે ઓપરેશન કરીને મહિલાને બચાવી
આ ઓપરેશનનો ખર્ચ ખાનગી હોસ્પિટલમાં 8થી 10 લાખ થાય છે: ડો. હેમાલી નૈનુજી
રાજકોટની ઝનાના હોસ્પિટલમાં સૌરાષ્ટ્ર અને કચ્છના ક્રિટિકલ દર્દીઓ અહીં આવતા દરરોજની સરેરાશ 30થી વધુ ડિલિવરી થાય છે
એનિમિયા, હાઈબીપી એકલેમસિયા, પ્રીમેચ્યોરીટી પ્રેગ્નન્સી ડાયાબિટીસ, હાર્ટ, લીવર, કિડની, જટીલ ડિલિવરી, એપિલેપસી સહિત હાઈ રિસ્ક ધરાવતા 30 ટકા દર્દીઓની સારવાર અહીં પ્રતિ વર્ષ કરવામાં આવે છે. જનાના હોસ્પિટલમાં દાખલ દર્દીઓને પૌષ્ટિક ભોજન પણ પૂરું પાડવામાં આવે છે. અહીં સ્ત્રી રોગ માટે અલગ વિભાગ છે. અને ગર્ભાશયને લગતી સર્જરી માટે અલગ ઓપરેશન થીએટર છે. આશરે 350 બેડની ગાયનેક હોસ્પિટલમાં જુદા-જુદા ફ્લોર પર જરૂરી સેવા પુરી પાડવામાં આવે છે. પ્રથમ માળે 25 બેડનો લેબર રૂમ ’નવજીવન કક્ષ’ (પ્રસુતિ વિભાગ) છે. જ્યાં ડિલિવરી બાદ નવજાત બાળક અને માતાને જરૂરી સારવાર પુરી પાડવામાં આવે છે. પ્રસુતિ નોર્મલ થાય તે માટે ખાસ ડિઝાઇન કરેલ 4 બેડનો મિડ વાઈફરી નવજીવન કક્ષ છે. જ્યાં દરેક પ્રસૂતાને નોર્મલ ડિલિવરી થાય તે માટે જરૂરી કસરત, મસાજ ટ્રેઈન્ડ નર્સ દ્વારા કરવામાં આવે છે. તેમજ હાઈ રિસ્ક ડિલિવરી માટે સિઝેરિયન કક્ષ છે.