પુલ, ભયજનક ઇમારતો અને પાણીની ટાંકીઓની સ્થિતિ ચકાસાઈ, દુર્ઘટના ટાળવા સાવચેતીના આદેશ
ખાસ-ખબર ન્યૂઝ રાજુલા
અમરેલી જિલ્લાના પ્રભારી સચિવ સંદીપકુમાર દ્વારા જિલ્લામાં માર્ગ-મકાન, જર્જરિત અને ભયજનક બિલ્ડિંગ્સ, પાણી પુરવઠા માટેની ટાંકીઓ સહિતની સરકારી મિલકતોની વર્તમાન સ્થિતિની સઘન સમીક્ષા કરવામાં આવી હતી.
- Advertisement -
અમરેલી જિલ્લા સેવા સદન ખાતે સમીક્ષા બેઠક યોજાય તે પૂર્વે, પ્રભારી સચિવ સંદીપકુમારે નાના માચીયાળા નજીક આવેલા જર્જરિત બ્રિજ અને સાવરકુંડલા ચોકડી બાયપાસ નજીક ઠેબી નદી પરના બ્રિજનું નિરીક્ષણ કરી સ્થળ તપાસણી કરી હતી. આ નિરીક્ષણ દરમિયાન તેમણે બ્રિજની વર્તમાન સ્થિતિ, તેના પરનો વાહન વ્યવહાર અને લોકોની અવરજવરનું અવલોકન કર્યું હતું. અમરેલી પ્રાંત અધિકારી મહેશ નાકિયા પણ પ્રભારી સચિવ સાથે વિવિધ બ્રિજની સ્થળ મુલાકાત વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રભારી સચિવે જિલ્લામાં જર્જરિત બ્રિજ સહિતની તમામ ભયજનક સરકારી મિલકતોને લઈને કોઈ દુર્ઘટના ન બને તે માટે અત્યંત સાવચેત રહેવા અને જરૂરી તમામ કાળજી લેવા સહિતની સ્પષ્ટ સૂચનાઓ સંબંધિત અધિકારીઓને આપી હતી.



