189 મુસાફરના મોત, 824 લોકો ઘાયલ થયા હતા
બૉમ્બે હાઇકોર્ટે કહ્યું, 12 ગુનેગારને સજા અપાવવામાં ફરિયાદ પક્ષ નિષ્ફળ ગયો: પ્રેશરકૂકરમાં બોમ્બ સેટ કર્યા હતા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ મુંબઈ
સોમવારે હાઇકોર્ટે મુંબઈ ટ્રેન બ્લાસ્ટકેસમાં તમામ 12 આરોપીને નિર્દોષ જાહેર કર્યા. હાઇકોર્ટે કહ્યું હતું કે ફરિયાદ પક્ષ આરોપીઓ સામેનો કેસ સાબિત કરવામાં નિષ્ફળ ગયો. ઘટનાનાં 19 વર્ષ પછી આ ચુકાદો આવ્યો છે. ન્યાયાધીશ અનિલ કિલોર અને ન્યાયાધીશ શ્ર્યામ ચાંડકની ખાસ બેન્ચે જણાવ્યું હતું કે ફરિયાદ પક્ષ દ્વારા રજૂ કરાયેલા પુરાવા આરોપીને દોષિત ઠેરવવા માટે નિર્ણાયક નથી.
11 જુલાઈ 2006ના રોજ મુંબઈના વેસ્ટર્ન સબર્બન વિસ્તારમાં ટ્રેનના સાત કોચમાં એક બાદ એક વિસ્ફોટ થયા હતા, જેમાં 189 મુસાફર માર્યા ગયા હતા અને 824 લોકો ઘાયલ થયા હતા.
11 જુલાઈ 2006ના રોજ મુંબઈમાં સાંજે 6:24થી 6:35 વાગ્યાની વચ્ચે એક પછી એક સાત વિસ્ફોટ થયા. આ બધા વિસ્ફોટ મુંબઈના પશ્ર્ચિમ રેલવે પર લોકલ ટ્રેનોના ફર્સ્ટ ક્લાસ ડબ્બામાં કરવામાં આવ્યા હતા.
આ વિસ્ફોટો ખાર, બાંદ્રા, જોગેશ્ર્વરી, માહિમ, બોરીવલી, માટુંગા અને મીરા-ભાયંદર રેલવે સ્ટેશનો પાસે થયા હતા. ટ્રેનોમાં લગાવવામાં આવેલા બોમ્બ છઉડ, એમોનિયમ નાઈટ્રેટ, ફ્યૂઅલ ઓઈલ અને ખીલીઓથી બનેલા હતા, જે સાત પ્રેશરકૂકરમાં મૂકવામાં આવ્યા હતા અને ટાઈમર સેટ કરીને ઉડાવી દેવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, માર્ચ 2006માં લશ્કર-એ-તૈયબાના આઝમ ચીમાએ બહાવલપુરમાં તેના ઘરમાં સિમી અને લશ્ર્કરનાં બે જૂથોના વડાઓ સાથે આ વિસ્ફોટોનું કાવતરું ઘડ્યું હતું. પોલીસે કહ્યું હતું કે મે 2006માં 50 યુવાનોને બહાવલપુરની એક તાલીમ શિબિરમાં મોકલવામાં આવ્યા હતા. તેમને બોમ્બ બનાવવા અને બંદૂકો ચલાવવાની તાલીમ આપવામાં આવી હતી.
હાઈકોર્ટનો આદેશ
આરોપીઓ પાસેથી મળેલા પુરાવા, સાક્ષીઓનાં નિવેદનો અને જે કંઈ મળ્યું એ તેમને દોષિત ઠેરવવા માટે પૂરતા નથી.
બોમ્બ બનાવવા માટે વપરાતા વિસ્ફોટકોની યોગ્ય રીતે જાળવણી કરવામાં આવી ન હતી. પુરાવાઓને સીલ કરવાની પદ્ધતિ પણ નબળી હતી.
ગુનામાં ઉપયોગમાં લેવાયેલા બોમ્બના પ્રકારને રેકોર્ડ પર લાવવામાં પણ ફરિયાદ પક્ષ નિષ્ફળ ગયો છે.
આરોપીઓનાં નિવેદનો જોતાં એવું લાગે છે કે તેમને બળજબરીથી રેકોર્ડ કરવામાં આવ્યા છે. બોમ્બવિસ્ફોટના 12 આરોપી કોણ છે?
બોમ્બવિસ્ફોટના આરોપી 12 લોકોમાં કમાલ અહેમદ અંસારી (37), તનવીર અહેમદ અંસારી (37), મોહમ્મદ ફૈઝલ શેખ (36), એહતેશામ સિદ્દીકી (30), મોહમ્મદ માજિદ શફી (32), શેખ આલમ શેખ (41), મોહમ્મદ સાજિદ અંસારી (34), મુઝમ્મિલ શેખ (27), સોહેલ મહમૂદ શેખ (43), જમીર અહેમદ શેખ (36), નવીદ હુસૈન ખાન (30) અને આસિફ ખાન (38)નો સમાવેશ થાય છે.