મહિલાઓની સુરક્ષા માટે રાજ્યમાં 59 રેસ્ક્યુ વાન કાર્યરત
અભયમના માધ્યમથી 2.09 લાખ મહિલાને સ્થળ પર જ સમસ્યાનું સમાધાન મળ્યુ
2.73 લાખથી વધુ મહિલાએ ડાઉનલોડ કરી અભયમ 181 મોબાઈલ એપ્લિકેશન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
છેલ્લા 10 વર્ષમાં રાજ્યની 16,58,892 મહિલાએ અભયમ 181 મહિલા હેલ્પલાઇનનો ઉપયોગ કરીને મુશ્કેલીના સમયમાં મદદ મેળવી છે. ગુજરાત સરકારે રાજ્યની મહિલાઓ, યુવતીઓ, કિશોરીઓ તેમજ બાળકીઓ સહિત દરેક વયજૂથની મહિલાઓને સંકટ સમયે સહાય કરવાના હેતુથી માર્ચ, 2015માં અભયમ 181 મહિલા હેલ્પલાઇનની શરૂઆત કરી હતી. ઘરેલુ હિંસા, શારીરિક-માનસિક અત્યાચાર, છેડતી સહિતના મહિલા વિરોધી ગુનાઓ સામે અભયમ 181 મહિલા હેલ્પલાઇન મહિલાઓ સાથે અડીખમ બનીને ઊભી રહી છે. અભયમ 181 મહિલા હેલ્પલાઇન દ્વારા રાજ્યની મહિલાઓને 24ડ7 નિ:શુલ્ક સેવા મળી રહી છે. રાજ્યની મહિલાઓ તેમની સમસ્યાઓનું ત્વરિત નિવારણ મેળવી શકે તે હેતુથી કુલ 59 રેસ્ક્યુ વાન કાર્યરત છે. તેમાંથી સેફ સિટી પ્રોજેક્ટ હેઠળ અમદાવાદ શહેરમાં 12 રેસ્ક્યુ વાન કાર્યરત છે. તાકીદની પરીસ્થિતિમાં અભયમ રેસ્ક્યુ વાન કાઉન્સિલર સાથે ઘટનાસ્થળ પર પહોંચીને મહિલાઓની સમસ્યાનું સમાધાન કરે છે. અત્યારસુધીમાં, રેસ્ક્યુ વાન દ્વારા 3.31 લાખ મહિલાઓને મદદ કરીને તેમની સમસ્યાઓનું નિવારણ કરવામાં આવ્યું છે, જ્યારે 2.09 લાખ કિસ્સાઓમાં સ્થળ ઉપર જ સમાધાન કરી કેસનો નિકાલ કરવામાં આવ્યો છે. અભયમ 181 હેલ્પલાઇન હેઠળ રેસ્ક્યુ વાન તથા કાઉન્સેલિંગ જેવી સેવાઓ અનેક મહિલાઓ માટે પારિવારિક અશાંતિ વચ્ચે સુખ-શાંતિનું સરનામું બની છે. રાજ્ય સરકારની આ સેવાનો રાજ્યની મહિલાઓ સરળ રીતે ઉપયોગ કરી શકે તે હેતુથી 6 ઓગસ્ટ, 2018ના રોજ અભયમ 181 મોબાઈલ એપ્લિકેશન પણ લોન્ચ કરવામાં આવી હતી. રાજ્યની 2.73 લાખથી વધુ મહિલાઓએ પોતાની સમસ્યાઓનું સમાધાન મેળવવા માટે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી છે.
ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગૃહ વિભાગ, ૠટઊં ઊખછઈં (જીવીકે-ઇમરજન્સી મેનેજમેન્ટ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ) અને ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ સાયન્સના સહયોગથી અભયમ 181 મહિલા હેલ્પલાઈન માટે તાલીમબદ્ધ ટીમ તૈયાર કરવામાં આવી છે, કે જેમાં કોઈપણ મહિલા કોઈપણ પ્રકારની મુશ્કેલીમાં હોય, તો તે ગમે તે સમયે ગમે તે સ્થિતિમાં 181 હેલ્પલાઇન નંબર પર કોલ કરીને સહાય મેળવી શકે છે. આ હેલ્પલાઇનના માધ્યમથી મહિલાઓને તાત્કાલિક બચાવ, મદદ અને ફોન પર માર્ગદર્શન તેમજ લાંબા અને ટુંકાગાળાનું કાઉન્સેલિંગ કરીને હકારાત્મક રીતે મહિલાઓની સમસ્યાઓનો ઉકેલ લાવવામાં આવે છે. આ ઉપરાંત, જો કોઈ મહિલા ઘરેલુ અથવા અન્ય પ્રકારની હિંસાનો ભોગ બની રહી હોય, તો તેવી સ્થિતિમાં અભયમ 181 હેલ્પલાઇનની રેસ્ક્યુ વાન એ મહિલાની મદદે પહોંચી જાય છે અને જરૂર જણાય તો સંબંધિત મહિલાનું સલામત સ્થળે સ્થળાંતર પણ કરાવવામાં આવે છે.
3 વર્ષમાં અભયમ 181 હેલ્પલાઇન માટે કુલ 37 કરોડ 78 લાખની ફાળવણી
રાજ્ય સરકારે છેલ્લા 3 વર્ષમાં અભયમ 181 હેલ્પલાઇન માટે કુલ 37 કરોડ 78 લાખની ફાળવણી કરી છે. રાજ્ય સરકારે વર્ષ 2022-23માં અભયમ હેલ્પલાઇન માટે 10 કરોડ 50 લાખ ફાળવ્યા હતા, ત્યારબાદ વર્ષ 2023-24માં 12 કરોડ 50 લાખ અને વર્ષ 2024-25માં 14 કરોડ 78 લાખની ફાળવણી કરવામાં આવી. સરકારે વર્ષ 2025-26 માટે અભયમ 181 હેલ્પલાઇન માટે 15 કરોડ 02 લાખની બજેટ જોગવાઇ મંજૂર કરી છે.
અભયમ 181 હેલ્પલાઇન હેઠળ મહિલાઓને મળે છે વિવિધ પ્રકારની મદદ
અભયમ 181 હેલ્પલાઇન હેઠળ ઘરેલુ હિંસા, શારીરિક, જાતીય, માનસિક કે આર્થિક સતામણી, સ્ત્રી ભ્રૂણહત્યા, સાયબર ગુનાઓ, લગ્ન સંબંધો કે અન્ય સંબંધોમાં તકરાર-ઝઘડો, અને આ ઉપરાંત સ્ટોકિંગ, વ્યસનમુક્તિ, બાળવિવાહ, ઘરવિહોણી મહિલાઓના મામલાઓ વગેરે જેવી અનેક મહિલાઓ સંબંધિત સમસ્યાઓનું સમાધાન કરવામાં આવે છે. આ હેલ્પલાઇન શરૂ થયેથી છેલ્લા 10 વર્ષોમાં આ પ્રકારની વિવિધ સમસ્યાઓ માટે રાજ્યની અનેક મહિલાઓએ આ હેલ્પલાઇનની મદદથી ત્વરિત સમાધાન મેળવ્યું છે. આ ઉપરાંત, રાજ્યની કે બહારના રાજ્યોમાંથી ગુજરાત આવેલી કોઈપણ મહિલા હેલ્પલાઇન ઉપર ફોન કરીને સ્થાનિક કક્ષાએ ઉપલબ્ધ વિવિધ સરકારી માળખાઓની સેવાઓ જેમ કે મહિલા પોલીસ સ્ટેશન, પોલીસ સ્ટેશન બેઝ્ડ સપોર્ટ સેન્ટર, મફત કાનૂની સહાય, કુટુંબ સલાહ કેન્દ્ર, રક્ષણ અધિકારી અને ગુજરાત રાજ્ય મહિલા આયોગની સેવાઓની માહિતી મેળવી શકે છે.