નવી માપણી દરમિયાન સરકારી જમીનની માપણી કરી ખાનગી ખાતે ચડાવી દીધી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.18
રાજ્યમાં સૌથી વધુ જમીન કૌભાંડ સુરેન્દ્રનગર જિલ્લામાં સામે આવે છે જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં બોગસ ખેડૂત ખાતેદાર બનાવવાથી માંડીને સરકારી જમીનને હડપ કરવા સુધીના કૌભાંડમાં હંમેશા અગ્રેસર રહે છે તેવામાં સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ અનેક પ્રકારના જમીન કૌભાંડો પાર પાડવામાં આવ્યા છે જેમાં ખાસ કરીને અહીં સરકારી જમીનને ખાનગી નામે કરવાનું પ્રકરણ પણ વારંવાર સામે આવે છે. ધ્રાંગધ્રા તાલુકાના જસાપર ગામે અગાઉ સર્વે નંબર 220 અને 365 વળી ખેતી લાયક જમીનોના જે પ્રકારે સરકારી અને ગૌચર જમીનોને ખાતે ચડાવી દીધી હતી તે પ્રકારે વધુ એક સરકારી જમીન ખાતે ચડાવવાનું કૌભાંડ સામે આવ્યું છે. જેમાં ધ્રાંગધ્રા તાલુકાના જસાપર ગામે ધાર તરીકે ઓળખાતા સીમ વિસ્તારમાં આવેલી નવા સર્વે નંબર 229 (જૂનો સર્વે નંબર 129/1 વળી ખેતી લાયક જમીનનું ક્ષેત્રફળ ગત વર્ષ 2014માં 2-09 એકર હતું જે વર્ષ 2016માં 1-23-95 હેક્ટર જેટલું થઈ ચૂક્યું હતું એટલે કે માત્ર એક વર્ષમાં જ આ જમીનનું ક્ષેત્રફળ ત્રણ ગણું વધી ચૂક્યું હતું. જેથી આ આખુંય પ્રકરણ “ખાસ ખબર” ધ્યાને આવતા સર્વે નંબર 229 વાળી જમીનના 7/12 અને નોંધ અંગે વિશ્લેષણ કરતા એક પણ નોંધમાં સરકારી અધિકારીના હુકમ અંગે નોંધ નથી જેથી સ્પષ્ટપણે કૌભાંડ સિવાય આ જમીનમાં વધારો થવો અશક્ય છે. જ્યારે આ અંગે ઊંડાણ પૂર્વક તપાસ કરતા રેવન્યુ વિભાગ અને ઇ ધારા વિભાગ સ્ટાફની મિલીભગત સિવાય આ જમીનમાં આટલું મોટું કૌભાંડ પાર પાડવું પણ અશક્ય હોવાનું સ્પષ્ટ થાય છે.
- Advertisement -
જસાપર ગામે અગાઉ પણ બે જમીનોના ક્ષેત્રફળ વધારવાના કૌભાંડ સામે આવ્યા હતા
ધ્રાંગધ્રા તાલુકાના જસાપર ગામે અગાઉ પણ સર્વે નંબર 220 અને 365 વળી ખેતી લાયક જમીનોમાં આ પ્રકારના કૌભાંડ થયા હતા ત્યારે હાલ 229 સર્વે નંબરના જમીન માલિકના કુલ ત્રણ સર્વે નંબર છે જેમાં પણ આ પ્રકારનું જમીન કૌભાંડ આચર્યું હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે.