જુહી નડિયાપરા હનુમાન મઢીથી નિર્મલા કોન્વેન્ટ રોડ પર જતી હતી ત્યારે બેફામ સ્પીડમાં ડમ્પર આવ્યુંને એક્ટિવાને અડફેટે લીધું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં આજે વહેલી સવારે વધુ એક જીવલેણ અકસ્માત સર્જાયો હતો. ડમ્પરે એક્ટિવાને હડફેટે લેતા કોલેજીયન યુવતીનું મોત નીપજ્યું છે. કણસાગરા કોલેજમાં બી. કોમ.ના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી બે બહેનપણી એક્ટિવામાં કોલેજ જઈ રહી હતી ત્યારે હનુમાન મઢી ચોક પાસે ડમ્પરે ઠોકરે લીધા હતા એક્ટિવા ચલાવતી યુવતીનો ચમત્કારી બચાવ થયો હતો. જ્યારે ડમ્પર ચાલક ફરાર થઈ જતા પોલીસે તપાસ હાથ ધરી છે. રાજકોટના બજરંગવાડી સર્કલ પાસે રહેતી અને કણસાગરા કોલેજમાં બી. કોમ.ના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી જુહી તરુણભાઈ નડિયાપરા ઉં.20 અને નંદનવન સોસાયટીમાં રહેતી અને તેની સાથે અભ્યાસ કરતી નિશા મેરુભાઈ રાણંગા ઉં.20 બંને કોલેજે જતા હતા નિશા એક્ટિવા ચલાવતી હતી અને જુહી એકટીવામાં પાછળ બેઠી હતી ત્યારે હનુમાન મઢી ચોકમાં હનુમાન મંદિર પાસે પુરપાટ ઝડપે આવેલા ડમ્પરે એક્ટિવાને હડફેટે લીધું હતું. જેમાં જુહીને ઈજા પહોંચતા બેભાન થઈ ગઈ હતી. જ્યારે નિશાનો આબાદ બચાવ થયો હતો. જુહીને તત્કાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ઇમર્જન્સી વિભાગમાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું બનાવની જાણ થતાં જ યુવતીના પરિવારજનો હોસ્પિટલ દોડી ગયા હતા.
ટ્રાફિક પોલીસ અને TRB જવાનો દંડ ઉઘરાવવામાં અને તોડબાજીમાં વ્યસ્ત, મોટાં વાહનચાલકો દેખાતાં નથી?
એક્ટિવા ચલાવતી બહેનપણીનો ચમત્કારી બચાવ: ડમ્પર ચાલક સામે ફરિયાદ નોંધવા તજવીજ
- Advertisement -
જુહીના પિતાના જણાવ્યા મુજબ પોતે નાના મવા રોડ પર આંબેડકરનગર ખાતે મોબાઈલની દુકાન ચલાવે છે. તેને સંતાનમાં 1 દીકરો અને બે દીકરી છે. જેમાં જુહી સૌથી મોટી છે દરરોજ સવારે પિતા તરુણભાઈ જુહીને ઘરેથી શિતલ પાર્ક સર્કલ સુધી મુકી જાય અને નિશા જામનગર રોડ નંદનવન સોસાયટીમાંથી પોતાના ઘરેથી એક્ટિવા લઇ શિતલ પાર્ક પાસે આવે અને પછી બંને બહેનપણી એક્ટિવા સાથે કોલેજે જતી આજે સવારે તરુણભાઈ જુહીને શિતલ પાર્ક મુકી ગયા હતા. ત્યાંથી બંને યુવતી એકટીવામાં રૈયા ચોકડીથી હનુમાન મઢી પહોંચ્યા હતા ત્યાંથી નિર્મલા રોડ થઈ કોલેજે જવાના હતા. જોકે નિશાએ જણાવ્યા મુજબ, હનુમાન મઢીથી તેઓ નિર્મલા રોડ તરફ ટર્ન લ્યે તે પહેલા જ બેફામ સ્પીડમાં ડમ્પર આવ્યું હતું અને એકટીવાને ઓવરટેક કરતા સમયે ડમ્પર ચાલકે એકટીવાને ઠોકરે લીધું હતું. અકસ્માતમાં જુહીનું કરુણ મોત નીપજતા પરિવારમાં ભારે કલ્પાંત છવાયો હતો રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના એએસઆઈ રામશીભાઈ વરૂ સહિતે નોંધ કરી ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહ પીએમ માટે ખસેડ્યો હતો અને ડમ્પર ચાલક સામે ફરિયાદ નોંધવા તજવીજ કરી હતી.
શહેરમાં માતેલા સાંઢની જેમ બેફામ દોડતા ડમ્પરો તથા ભારે વાહનો પર રોક ક્યારે?
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
જ્યારે સિગ્નલ તોડે અથવા તો પોલીસ કમિશનર કચેરી અથવા હેડક્વાર્ટસમાં કોઈ વાહનચાલક હેલ્મેટ પહેર્યા વગર આવે તો મસમોટો મેમો ફટકારવામાં આવે છે જ્યારે રાજકોટ શહેરમાં ખુલ્લેઆમ બેફામ ડમ્પરો તથા ભારે વાહનો દોડી રહ્યા છે અને નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે આવા લોકો પર ક્યારે ટ્રાફિક પોલીસ લગામ કસશે? રાજકોટમાં બેફામ બનીને દોડી રહેલા ડમ્પરોને કારણે લોકોને ભારે હાલાકી પડી રહી છે. કોઇપણ જાતના ટ્રાફિક નિયમોની પરવા કર્યા વગર બેફામ દોડતા ડમ્પરો અવાર-નવાર અકસ્માત સર્જે છે. રેતી ભરીને નીકળતા ડમ્પરોના ચાલકો બેફામ બનીને પૂરપાટ ગતિમાં વાહનો દોડાવે છે તેને કારણે અનેક વખત નાના મોટા અકસ્માતો પણ સર્જાય છે આજે એક જુવાનજોધ દીકરીને ગુમાવતા પિતાનું કાળજું કંપી ઉઠ્યું છે. દિવસ દરમિયાન ભારે વાહનો અને ખાનગી બસો ન ચલાવવાનું જાહેરનામુ છતા રાજકોટમાં શહેરમાં બેરોકટોક ભારે વાહનો દોડી રહ્યા છે. પોલીસની રહેમનજર અને મિલિભગતને કારણે ભારે વાહન ચાલકો જાહેરનામાને જાણે ઘોળીને પી ગયા છે અને નિયમોનો ઉલાળિયો કરી રહ્યા છે. જેનો ભોગ નિર્દોષ નાગરિકો બની રહ્યા છે. શહેર પોલીસ કમિશનરનાં જાહેરનામાનો ખુલ્લેઆમ ભંગ થઈ રહ્યો છે. ભારે વાહન અને ખાનગી બસને સવારના 8 વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા સુધી પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જે જાહેરનામું હોવા છતાં પણ શહેરમાં બેરોકટોક રીતે ખાનગી બસો દોડી રહી છે.આ બસો દિવસ દરમિયાન રોડ પર દોડતા મોતની જેમ ફરી રહી છે.
બેફામ દોડતા ભારે વાહનો, ફક્ત કાગળ પર જ જાહેરનામુ: અમલવારી શૂન્ય
રૈયા ચોકડીએ સિગ્નલ ચાલું હોય ત્યારે ટ્રાફિકની સમસ્યા વધુ વકરે છે
ટ્રાફિક સિગ્નલ ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે હોય છે પરંતુ ઘણી વખત સિગ્નલના લીધે જ સમસ્યા સર્જાઈ છે હાલ રૈયા ચોકડીએ ટ્રાફિક સિગ્નલ બંધ છે ત્યારે એટલુ ટ્રાફિક નથી થતું જ્યારે સિગ્નલ ચાલું હોય છે. ટ્રાફિક સમસ્યા ત્યારે જ સર્જાય છે જ્યારે સિગ્નલ 3-3 મિનિટના રેડ સિગ્નલ રાખે છે. જ્યારે હવે પોલીસ અને મહાપાલિકા 8 નવા સ્થળ પર ટ્રાફિક સિગ્નલ મુકશે જેથી વધુ સમસ્યા વકરશે.



