ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.9
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બ્રાઝિલ સરકારે પોતાના સર્વોચ્ચ નાગરિક સન્માન ’નેશનલ ઓર્ડર ઓફ સધર્ન ક્રોસ’થી સન્માનિત કર્યા છે. આ સન્માન બ્રાઝિલની સરકાર દ્વારા તે વ્યક્તિઓને આપવામાં આવે છે જેમણે બે દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હોય. આ સન્માન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત અને બ્રાઝિલની રાજનીતિક, આર્થિક અને સામાજિક ક્ષેત્રમાં સહયોગ વધારવા માટે આપવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મે 2014માં વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીને આ 26મું આંતરરાષ્ટ્રીય સન્માન મળ્યું છે.
- Advertisement -
બ્રાઝિલમાં રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય વાતચીત પહેલા વડાપ્રધાન મોદીનું પારંપરિક રીતે ભવ્ય સ્વાગત કરાયું. આ વડાપ્રધાન મોદીના ઔપચારિક કાર્યક્રમમાં 114 ઘોડેસવારોનો કાફલો હાજર હતો. જેની વીડિયો શેર કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ’આ પ્રવાસથી બંને દેશોના દ્વિપક્ષીય સંબંધોને ગતિ મળશે. બ્રાસીલિયામાં ઔપચારિક સ્વાગતની ઝલક.” ઓર્ડર ઓફ સધર્ન ક્રોસ’ બ્રાઝિલનું સૌથી પ્રતિષ્ઠિત નાગરિક સન્માન છે, જે સામાન્ય રીતે વિદેશોના ટોચના નેતાઓને અને રાષ્ટ્રોના વિશિષ્ટ વ્યક્તિઓને આપવામાં આવે છે. આ સન્માન વર્ષ 1822માં સ્થાપિત થયું હતું અને તેના દ્વારા બ્રાઝિલ પોતાના વૈશ્વિક સહયોગીઓ પ્રત્યે સન્માન અને આભાર વ્યક્ત કરે છે. નરેન્દ્ર મોદી સિવાય કેટલાક અન્ય વૈશ્વિક નેતાઓને પણ આ પુરસ્કારથી સન્માનિત કરાઈ ચૂક્યા છે.વડાપ્રધાન મોદીએ પોતાના ભવ્ય સ્વાગત અને સર્વોચ્ચ સન્માન માટે બ્રાઝિલની સરકાર પ્રત્યે આભાર વ્યક્ત કર્યો છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ’આ 140 કરોડ ભારતીયો માટે ગર્વની વાત છે. આજે રાષ્ટ્રપતિજી દ્વારા મને બ્રાઝિલના સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માનથી સન્માનિત કરાયો છે જે મારા માટે જ નહીં 140 કરોડ ભારતીય માટે અત્યંત ગર્વ અને ભાવુકતાની ક્ષણ છે. એટલા માટે બ્રાઝિલની સરકાર અને લોકોનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું.’