સ્થાનિક સરપંચ દ્વારા લેખિત રજૂઆત બાદ પણ તંત્ર કાર્યવાહીથી અળગું
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.4
સુરેન્દ્રનગર જિલ્લામાં ખનિજ ચોરી કરતા ખનિજ માફીયાઓ પર લગામ લગાવવી જરૂરી છે. ત્યારે જિલ્લામાં કોલસો, સફેદ માટી, રેતી, પથ્થર સહિતનું ખનિજ બેફામપણે લુટાઈ રહ્યું છે જે અંગે વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી નહીં થવાને લીધે ખનિજ માફિયાઓને છૂટોદોર મળી ગયો છે. તેવામાં ધ્રાંગધ્રા તાલુકાના રાવળીયાવદર ગામે સીમ વિસ્તારમાં થતી ગેરકાયદેસર રેતીનું ખનન અને વોશ પ્લાન્ટ અંગે ગામના જ સરપંચ રતનસિંહ ઠાકોર દ્વારા અનેક રજૂઆત છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરાતી નથી. જ્યારે સરપંચ આ પ્રકારે લેખિત રજૂઆત કરે તે બાદ થોડા સમય સુધી ખનિજ માફીયાઓ પોતાના ખનીજનો કારોબાર બંધ કરી નાખે છે અને વળી ફરી પાછી ખનિજ ચોરીનો ધંધો શરૂ કરી નાખે છે.
- Advertisement -
જ્યારે રાવળીયાવદર ગામના સરપંચ દ્વારા હાલમાં જ મામલતદાર અને પ્રાંત અધિકારીને પોતાના ગામના ચાલતી રેતી ચોરી તથા વોશ પ્લાન્ટ અંગે લેખિત જાણ કરી હતી જે બાદ સુરેન્દ્રનગર જિલ્લા ખાણ ખનિજ વિભાગની ટીમ સ્થળ પર આવી હતી પરંતુ સ્થળ પરથી કોઈ વાહન કે અન્ય મુદામાલ નહીં મળી આવતા ખનિજ ચોરી કરેલ જગ્યાની માપણી અથવા કાર્યવાહી કર્યા વગર પરત ફર્યા હતા જે બાદ બીજા જ દિવસે ફરી ખનિજ માફીયાઓ દ્વારા અહીં ખનિજ ચોરી શરૂ કરી છે. આ મામલે રાવળીયાવદર ગામના સરપંચ રતનસિંહ ઠાકોર દ્વાર જણાવ્યું હતું કે ” તેઓ દ્વારા પોતાના ગામમાં ખોડિયાર માતાજીના મંદિર નજીક ચાલતા રેતીના ખનન અને વોશ પ્લાન્ટ બાબતે લેખિત રજૂઆત કરી હતી અને બાદમાં ખનિજ વિભાગની ટીમ રાવળીયાવદર ગામે આવી હતી પરંતુ રજૂઆત કરી હોવાથી ખનીજ માફીયાઓ દ્વારા અગાઉથી જ ખનિજ ચોરી બંધ કરી નાખતા ટીમને કોઈ મુદામાલ હાથ લાગ્યો ન હતો જોકે ટીમ જ્યારે સ્થળ પર પહોંચી ત્યારે સરપંચ પોતાના કામ અર્થે બહાર હોવાથી ટીમ સાથે કોઈ એની વાતચીત થઈ ન હોવાનું જણાવ્યું છે” પરંતુ આ બાદ ફરીથી રાવળીયાવદર ગામે રેતીની ખનિજ ચોરી શરૂ થતાં ખનિજ માફિયાઓને અખિકારીઓનો કોઈ ડર નહીં હોવાનું પણ સ્પષ્ટ સાબિત થાય છે.