અષાઢી બીજે સિધ્ધિ યોગની સાથે પુષ્ય નક્ષત્ર હોય ઘરાકી નીકળતા બજારમાં રોનક દેખાઇ’
આંતરરાષ્ટ્રીય સ્તરે યુદ્ધ વિરામ બાદ શેરબજારમાં સ્થિરતા આવતા સ્થાનિક બજારમાં તેજી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
હિન્દુ શાસ્ત્રોમાં અષાઢી બીજને વણજોયું મુહૂર્ત ગણવામાં આવે છે અને તેમાં પણ આ વખતે અષાઢી બીજે સિધ્ધિ યોગની સાથોસાથ પુષ્ય નક્ષત્ર હોય વેપારીઓ માટે સોનામાં સુગંધ ભળ્યા જેવું થયું હતું. રાજકોટ શહેરમાં અષાઢી બીજના દિવસે રૂ.100 કરોડથી વધુના ફોર વ્હિલર અને ટુ-વ્હિલર વેચાયા હતા. જેમાં 1500 ટુ વ્હિલર અને 700 ફોર વ્હિલરનો સમાવેશ થાય છે. લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય અનિશ્ચિતતાના પગલે સ્થાનિક બજારોમાં વેપાર-ધંધામાં મંદીનો માર સહન કરી રહેલા વેપારીઓના ચહેરા પર અષાઢી બીજના દિવસે વેપારનું મુહૂર્ત સચવાઇ જતા અને ઘરાકી નીકળતા રોનક આવી ગઇ હતી. આમ અષાઢી બીજના સિદ્ધિયોગની સાથોસાથ પુષ્ય નક્ષત્રે વેપારીઓને કરી દીધો બમણો લાભ, આંતરરાષ્ટ્રીય સ્તરે યુદ્ધ વિરામ બાદ શેરબજારમાં સ્થિરતા આવતા સ્થાનિક બજારમાં તેજી જોવા મળી હતી.
રાજકોટ શહેરમાં ફોર વ્હિલ વેચતા 20 શો-રૂમ આવેલા છે અને ટુ-વ્હિલર વેચતા 23થી વધુ શો-રૂમ છે. રાજકોટના શહેરીજનો અષાઢી બીજે વાહનો છોડાવવાનું ભારે શુભ માનતા હોય છે અને આ વર્ષે અષાઢી બીજે અન્ય શુભ યોગ રચાતા હોય અગાઉથી જ ફોર વ્હિલ અને ટુ-વ્હિલના બુકિંગ નીકળી પડયા હતા. તેમાં પણ ખાસ કરીને રૂ.7 લાખથી 35 લાખની ફોર વ્હિલના મોટાપાયે બુકિંગ થયા હતા. આ વર્ષે અષાઢી બીજનો દિવસ ગત વર્ષ કરતા પણ ઓટોમોબાઇલના વેપારીઓ માટે ફાયદાકારક રહ્યો હતો. રાજકોટ શહેરમાં એક જ દિવસમાં રૂ.15 કરોડથી વધુના 1500 ટુ વ્હિલર વેંચાયા હતા. તેમજ રૂ.85 થી 90 કરોડની કિંમતની લગભગ 700 જેટલી ફોર વ્હિલ કાર વેંચાઇ છે. આમાંથી મોટાભાગના ખરીદારોએ તેમને કારની ડિલિવરી અષાઢી બીજે મળી જાય તે માટે અગાઉથી જ બુકિંગ કરાવ્યું હતું. જેથી આરટીઓની નોંધણી, મહાનગરપાલિકાનો ટેક્સ ભરવો સહિતની પ્રક્રિયા પૂરી થઇ જાય અને નંબર પણ મળી જાય જેથી અષાઢી બીજે કાર મળી શકે. યુધ્ધના કારણે સ્થાનિક બજારમાં જે અનિશ્ચિતતાના વાદળો છવાયા હતા જે ધીમે-ધીમે દૂર થતા અને શેરબજાર સ્ટેબલ થતા સ્થાનિક ઓટોમોબાઇલ બજારમાં ફરી તેજીનો કરંટ જોવા મળ્યો છે.