બ્રિજના કામને કારણે વાહનચાલકો માટે વૈકલ્પિક રૂટ
નવા 150 ફૂટ રીંગરોડ-2 પરથી યુનિવર્સિટી રોડ તરફ જવા: મુંજકા મેઈન રોડથી હરસિદ્ધિ માતાજી મંદિર મુંજકા ગામની શેરીઓ પરથી યુનિવર્સિટી રોડ જઈ શકાશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં વોર્ડ-09માં મુંજકા પોલીસ ચોકીથી આગળ વોકળા પર બોક્સ કલવર્ટ તથા આર્ષ વિદ્યામંદિર પાસે વોકળા પર બ્રિજ બનાવવાની કામગીરી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે. આ કામગીરી ઝડપથી પૂર્ણ કરવાની હોવાથી શહેર પોલીસ દ્વારા આ રૂટ પરથી પસાર થતા વાહનો માટે ડાઈવર્ઝન જાહેર કરવામાં આવ્યું છે.
રાજકોટ શહેર ઈન્ચાર્જ પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા દ્વારા જારી કરાયેલી યાદીમાં જણાવાયું છે કે, બ્રિજ નં-1 એટલે કે મુંજકા પોલીસ ચોકીથી આગળ વોકળા પર બોક્સનું કામ ચાલુ હોવાથી બે વૈકલ્પિક ડાઈવર્ઝન જાહેર કરાયા છે. વિકલ્પ-1 મુજબ નવા 150 ફૂટ રીંગરોડ-2 પરથી યુનિવર્સિટી રોડ તરફ જવા માટે મુંજકા મેઈન રોડ, હરસિદ્ધિ માતાજી મંદિર-રામાપીર મંદિર – મુંજકા ગામની શેરીઓમાં થઈને યુનિવર્સિટી રોડ તરફ જઈ શકાશે. તેમજ યુનિવર્સિટી રોડ પરથી નવા 150 ફૂટ રિંગરોડ-2 પર જવા મુંજકા ગામની શેરીઓમાં થઈને રામાપીર મંદિર -હરસિદ્ધિ મંદિર રોડ – મુંજકા મેઈન રોડથી નવા 150 ફૂટ રિંગરોડ-2 તરફ જઈ શકાશે. વિકલ્પ-02 મુજબ, નવા 150 ફૂટ રિંગરોડ પરથી યુનિ. રોડ તરફ જવા માટે મુંજકા મેઈન રોડ – હરસિદ્ધિ મંદિર – રામાપીર મંદિર પાસે શેરી નં.15 મુંજકા મેઈન રોડ તરફ, યુનિ. રોડ પરથી નવા 150 ફૂટ રિંગરોડ-2 પર જવા મુંજકા ગામની શેરીઓમાં થઈ રામાપીર મંદિર – હરસિદ્ધિ મંદિર, મુંજકા મેઈન રોડથી નવા 150 ફૂટ રિંગરોડ-2 તરફ જઈ શકાશે.
- Advertisement -
બ્રિજ નં.2 એટલે કે મુંજકા આર્ષ વિદ્યામંદિર સામેના વોકળા પર બ્રિજનું કામ ચાલુ હોવાથી એક વૈકલ્પિક રૂટ જાહેર કરાયો છે. જે મુજબ, નવા 150 ફૂટ રિંગરોડ પરથી ટીટોડિયા પરા જવા માટે તેમજ ટીટોડિયા પરાથી નવા 150 ફૂટ રિંગરોડ તરફ જવા માટે રૂટ નંબર-1 મુજબ જઈ શકાશે અને યુનિ. રોડ પરથી નવા 150 ફૂટ રિંગરોડ પર જવા માટે મુંજકા ગામની શેરીઓમાં થઈને રામાપીર મંદિર, હરસિદ્ધિ મંદિર, મુંજકા મેઈન રોડથી નવા 150 ફૂટ રિંગરોડ તરફ જઈ શકાશે. આ હુકમનો ભંગ કરનારા વાહનચાલકો સજાને પાત્ર ઠરશે.



