અન્ય ધર્મો જ્યાં પાપભાવથી મુક્તિ આપે છે, ત્યાં વૈદિક શાસ્ત્રો માનવને શિવતુલ્ય માને છે
વિશ્ર્વમાં તમામ ધર્મોમાંથી કેટલાક ધર્મોના અનુયાયીઓને એવું કહેવામાં આવે છે કે તમે પાપી છો, તમે આપણા ઇશ્વરના શરણમાં આવો તો એ તમને બધા પાપોમાંથી મુક્તિ અપાવી અને માફ કરી દેશે. એક માત્ર આપણો ધર્મ એવું કહે છે કે દરેક મનુષ્ય વિશુદ્ધ આત્મા છે, સનાતન વૈદિક ધર્મ આપણને દિવ્ય માનવી હોવાનું ગૌરવ પ્રદાન કરે છે. આપણા શાસ્ત્રો આપણને કહે છે, “શિવોહમ્” અર્થાત્ હું પોતે શિવ છું. જીવ અને શિવ વચ્ચેનો ભેદ નાબૂદ થઈ જાય છે. જન્મથી જ આપણને દિવ્યતા મળેલી છે. આપણા કર્મો, સંસ્કારો અને વાસનાઓ દ્વારા આપણે આપણી દિવ્યતાને ઢાંકી દીધી છે. જેવી રીતે કોઈ કુશળ શિલ્પકાર મોટા પથ્થરમાંથી મૂર્તિ બનાવવા માટે વધારાનો પથ્થર હથોડી અને ટાંકણાથી દૂર કરી દે છે, તેવી જ રીતે આપણે આપણી દિવ્યતાને છાવરી દેતા તમામ દુર્ગુણોને સાધના દ્વારા હટાવી દેવાના છે. આપણે દિવ્યતા પ્રાપ્ત કરવાની નથી. આપણે આપણી અંદર રહેલી દિવ્યતાને બહાર લાવવાની છે. અન્ય ધર્મો અને વૈદિક ધર્મ વચ્ચે આ પાયાનો તફાવત છે.