સુરેન્દ્રનગર જિલ્લામાં બાળ મજૂરી વિરુદ્ધ કાર્યવાહી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.13
સુરેન્દ્રનગર જિલ્લામાં બાળ મજૂરી નાબૂદી માટે વહીવટી તંત્ર સક્રિય બન્યું છે. મદદનીશ શ્રમ આયુક્તની કચેરી દ્વારા જાન્યુઆરી 2020થી એપ્રિલ 2025 દરમિયાન 109 રેડ કરવામાં આવી છે. આ કાર્યવાહીમાં 6 બાળ શ્રમિકો અને 37 તરુણ શ્રમિકોને મુક્ત કરાવવામાં આવ્યા છે. મદદનીશ શ્રમ આયુક્ત સુરભી ભપલના જણાવ્યા અનુસાર, બાળ મજૂરી કરાવનાર એકમો પાસેથી રૂ. 1 લાખથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં દોષિતો સામે 17 ફોજદારી કેસ દાખલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 12 એફ.આઈ.આર. પણ નોંધવામાં આવી છે.
- Advertisement -
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રેડ, રેસ્ક્યુ અને રિહેબિલિટેશનની કામગીરી સતત ચાલુ છે. બાળકોને સુરક્ષિત અને શિક્ષિત બાળપણ મળે તે માટે પ્રયાસો થઈ રહ્યા છે. બાળ મજૂરીની સમસ્યાને મૂળમાંથી દૂર કરવા માટે લોક જાગૃતિ અને સામાજિક જવાબદારી મહત્વની છે. નાગરિકોને બાળ મજૂરી મુક્ત સમાજના નિર્માણમાં સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે. જો કોઈ બાળક મજૂરી કરતું જોવા મળે તો ચાઇલ્ડલાઇન હેલ્પલાઇન નંબર 1098 પર જાણ કરી શકાય છે. આ ઉપરાંત નજીકના પોલીસ સ્ટેશન અથવા શ્રમ વિભાગની કચેરીમાં પણ ફરિયાદ નોંધાવી શકાય છે. ફરિયાદ કરનાર નાગરિકની ઓળખ ગુપ્ત રાખવામાં આવે છે.
ભારત સરકારે વર્ષ 1986માં બાળ મજૂરી નિષેધ અને નિયમન કાયદો પસાર કર્યો હતો. આ અધિનિયમ 0 થી 14 વર્ષના બાળકોને કોઈપણ પ્રકારના કામ પર રાખવા માટે સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો છે. આ ઉપરાંત 14 થી 18 વર્ષના તરુણોને જોખમી ધંધાઓમાં પ્રતિબંધ અને બિનજોખમી ધંધા- વ્યવસાય પર રાખવા માટે જરૂરી નિયમો હેઠળ જોગવાઈ કરવામાં આવી છે. ભારત સરકાર દ્વારા વર્ષ 2016માં આ અધિનિયમમાં કરાયેલા સુધારા બાદ કાયદાનું નામ ’બાળ અને તરુણ શ્રમયોગી (પ્રતિબંધ અને નિયમન) અધિનિયમ’ કરવામાં આવ્યું છે. બાળ અને તરૂણ શ્રમયોગી (પ્રતિબંધ અને નિયમન) કાયદાનો ભંગ કરનાર સામે દંડની જોગવાઈ કરવામાં આવી હતી. જેમાં ગુજરાત સરકારે સુધારો કર્યો છે. આ કાયદામાં દંડની જોગવાઈમાં સુધારો કરનાર ગુજરાત એકમાત્ર રાજ્ય છે. ગુજરાતમાં કરવામાં આવેલા સુધારા મુજબ કાયદાના ભંગ બદલ 6 માસથી બે વર્ષ સુધીની કેદ અથવા રૂ. 20 હજારથી લઈને એક લાખ સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જ્યારે દોષિતો આ જ પ્રકારનો ગુનો બીજીવાર કરે તો તેવા સંજોગોમાં 1 વર્ષથી લઈને 3 વર્ષ સુધી જેલની સજાની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્યમાં બાળમજૂરી વિરોધી કાયદાના અસરકારક અમલીકરણ માટે દરેક જિલ્લામાં કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં એક વિશેષ જિલ્લા ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવે છે. આ ટાસ્ક ફોર્સ દ્વારા દર મહિને નિયમિત બેઠક યોજી રેડનું આયોજન કરી બાળ મજૂરોને મુક્ત કરાવે છે. બાળમજૂરી અટકાવવા માટે રેડ કર્યા બાદ બાળકોને રેસ્ક્યુ કરીને તેમનું રિહેબિલિટેશન (પુનર્વસન) પણ કરવામાં આવે છે.