દરોડા દરમિયાન અનેક નાણાકીય અનિયમિતતા સામે આવતા કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો જપ્ત કરાયા : નેક્સા એવરગ્રીન નામની કંપનીમાં EDની તપાસ: આ કંપની અમદાવાદના રજિસ્ટ્રાર ઑફ કંપનીઝમાં રજિર્સ્ટડ છે
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
- Advertisement -
ગુજરાત, રાજસ્થાન અને દિલ્હીમાં લગભગ 24 સ્થળો પર ગુરૂવારે સવારે ઇડીની ટીમે રેડ પાડી છે. તપાસ એજન્સીના સૂત્રોના અનુસાર લગભગ 2700 કરોડ રૂપિયાનો મની લોન્ડરિંગનો મામલો છે.
અમદાવાદ, દિલ્હી અને રાજસ્થાનના સીકર, જયપુર, જોધપુર, ઝુંઝુનૂમાં કાર્યવાહી થઇ રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ રેડ નેક્સા એવરગ્રીન નામના પ્રોજેક્ટમાં આચરવામાં આવેલી છેતરપિંડીને લઇને છે. પ્રોજેક્ટમાં રોકાણ કરનારાઓને કંપની તરફ એક સમય બાદ ફ્લેટ, જમીન અથવા વધુ રેટ પર પૈસા પાછા આપવાનો વિશ્વાસ આપવામાં આવતો હતો. આ કેસમાં રાજસ્થાન પોલીસે પણ ઘણા લોકોના વિરૂદ્ધ એફઆઇઆર નોંધાવી હતી. મની લોન્ડરિંગ એક્ટ હેઠળ સર્ચ ઓપરેશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે. તપાસ એજન્સીના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, તાજેતરમાં હાથ ધરવામાં આવેલા દરોડા દરમિયાન આ મામલામાં મોટા પાયે નાણાકીય અનિયમિતતાઓ સામે આવી છે. આ કાર્યવાહી દરમિયાન અનેક મહત્વપૂર્ણ દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા છે.આ દરોડામાં મળેલી માહિતીના આધારે ઘણા મોટા આરોપીઓની બેનામી સંપત્તિઓ શોધી કાઢવાની દિશામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, જેનાથી આ કેસમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે. નેક્સા એવરગ્રીન (NEXA EVERGREEN)કંપનીનું રજિસ્ટ્રેશન અમદાવાદમાં 17 એપ્રિલ 2021ના રોજ થયું હતું. રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ, અમદાવાદના રેકોર્ડ્સથી ખબર પડે છે કે આ કંપની રિયલ એસ્ટેટ એક્ટિવિટી માટે રજિસ્ટર્ડ કરવામાં આવી હતી. આ કંપનીના માલિક સુભાષ બિજારણિયા અને રણવીર બિજારણિયા સીકરના પનલાવા રહેવાસી છે. આ કંપની ગુજરાતમાં ધોલેરા સ્માર્ટ સિટી પ્રોજેક્ટના નામે લોકો પાસેથી રોકાણના બહાને પૈસા એકઠા કરી રહી હતી. કંપનીમાં બનવારી મહરિયા, ઉપેન્દ્ર બિજારણિયા, લક્ષ્મી સલીમ ખાં, દાતાર સિંહ, રક્ષપાલ, ઓમપાલ અને સાવરમલના નામ પણ સામે આવ્યા છે.
ડ્રાઇવર અને નોકરોના નામે પણ બનાવી પણ કંપનીઓ
રણવીર અને સુભાષે માત્ર નેક્સા એવરગ્રીન નામથી જ નહીં, પરંતુ અનેક અલગ-અલગ નામે કંપનીઓ બનાવી હતી. આ નામોથી ઘણી બેંકોમાં એકાઉન્ટ ખોલવામાં આવ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું છે કે HDFC, ICICI, IDFC, AU સ્મોલ, ઇક્વિટાસ સહિત અનેક બેંકોમાં આ ઠગબાજોના એકાઉન્ટ છે. જે કંપનીઓના નામે એકાઉન્ટ ખોલવામાં આવ્યા હતા, તેમના માલિકો પણ અલગ-અલગ હતા. નેક્સા એવરગ્રીન ઉપરાંત નેક્સા એવરગ્રીન ડેવલપર્સ, નેક્સા એવરગ્રીન બિલ્ડર્સ, નેક્સા એવરગ્રીન ધોલેરા, ધોલેરા બિલ્ડર્સ, ધોલેરા એવરગ્રીન ડેવલપર, એવરગ્રીન બિલ્ડર ડેવલપર, ધોલેરા ડેવલપર ઉપરાંત અન્ય ઘણી કંપનીઓ પણ હતી. ખાસ વાત એ છે કે આ કંપનીઓમાં ડાયરેક્ટર પણ અલગ-અલગ હતા. લોકોને ફસાવવા માટે મોટાભાગના પ્રોજેક્ટ્સ અને કંપનીઓના નામ ધોલેરા સિટીના નામે જ રાખવામાં આવ્યા હતા. આ ઠગબાજોએ ડ્રાઈવર અને નોકરોના નામે પણ કંપનીઓ બનાવી લીધી હતી. છેલ્લા એક મહિનામાં લેણદેણમાં ઘણો વધારો થયો હતો.