વિજયપુરા પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ એક પૂર્વ-આયોજિત ચોરી હતી, અને ચોરો સોનાની ચોરી કરવા માટે લાંબા સપ્તાહાંતની રાહ જોતા હતા.
દેશમાં નોંધાયેલી સૌથી મોટી સોનાની ચોરીઓમાંની એક ઘટનામાં, કર્ણાટકના વિજયપુરા જિલ્લામાં કેનેરા બેંકની શાખામાંથી ગયા મહિને ચોરો 52 કરોડ રૂપિયાનું સોનું લઈને ભાગી ગયા હતા. વિજયાપુરાના એસ.પી. એન.લક્ષ્મણના જણાવ્યા મુજબ તા. 23 મેના સાંજના 6થી તા. 25 મેના સવારના 11.30 સુધીમાં આ ચોરી થઇ હતી અને તેમાં કેનેરા બેંકની વિજયાપુરા શાખામાં રૂા. 52 કરોડ સોનુ ચોરાયુ છે.
- Advertisement -
તા.26ના રોજ જયારે બેંકનું કામકાજ શરૂ થયું ત્યારે આ ચોરીની જાણ થઇ હતી. તસ્કરોએ કેનેરા બેંકની વિજયાપુરા શાખા કે જે મુખ્ય માર્ગ પર આવેલી છે. તેમાંથી આ સમયગાળા દરમ્યાન 51 કિલો સોનુ ચોરી ગયા હતા. એક અત્યંત આયોજનપૂર્વક સોનુ ચોરનાર ગેંગે બેંકમાં શનિ-રવિની રજાનો લાભ લીધો હતો.
બેંકના શટર તેઓએ ડુપ્લીકેટ ચાવીના આધારે ખોલી નાખ્યા હતા અને બાદમાં બેંકના એલાર્મ અને સીસીટીવી પણ નિષ્ક્રિય કરી દીધા હતા આ ઉપરાંત તેઓ બાદમાં વિડીયો રેકોર્ડર પણ લઇ ગયા હતા. બેંકના મુખ્ય લોકર તોડીને તેઓએ આ રીતે સોનુ ચોર્યુ હતું. લોકર તોડવા માટે તેઓએ અદ્યતન મશીનરીનો ઉપયોગ કર્યો હતો.
ગયા વર્ષે 28 ઓક્ટોબરના રોજ, બેંગલુરુથી 325 કિમી દૂર દાવણગેરે જિલ્લાના ન્યામથી શહેરમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ની શાખામાંથી એક ગેંગે 13 કરોડ રૂપિયાના સોનાના દાગીનાની ચોરી કરી હતી. બાદમાં દાવણગેરે પોલીસે આ ગુનામાં સંડોવાયેલા છ લોકોની ધરપકડ કરી હતી. આ વર્ષે 17 જાન્યુઆરીએ મેંગલુરુના કોટેકર ખાતે આવેલી વ્યવસાય સેવા સહકારી સંઘ બેંકમાં એક ગેંગે 12 કરોડ રૂપિયાનું સોનું લૂંટી લીધું હતું. પોલીસે આ લૂંટના સંબંધમાં છ લોકોની ધરપકડ કરી હતી.