નાઈટ પેટ્રોલિંગમાં રહેલી પોલીસે બંધ કરવાનું કહેતા વાનમાં તોડફોડ કરી, ઝપાઝપી કરી
મેટોડા પોલીસે બે ભાઈઓ સામે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી, એકને પકડી લીધો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના કાલાવડ રોડ પર વડવાજડી ગામ પાસે શ્રી હરસિદ્ધિ હોટેલવાળી વિવાદિત જગ્યા પર ચેક કરવા જતા મેટોડા પોલીસ મથકના પીએસઆઇ સહિતની ટીમ પર હોટેલ સંચાલકે હુમલો કરી તેના ભાઇએ ફોન કરી ગાળો આપતા પોલીસે સંચાલકની અટકાયત કરી જીપમાં બેસાડી દેતા શખ્સે સરકારી જીપના કાચ તોડી નાસી જવાનો પ્રયાસ કરતાં પોલીસે બે ભાઈઓ સામે ફરજમાં રુકાવટ સહિતનો ગુનો નોંધી એક આરોપીની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી કરી છે.
- Advertisement -
મેટોડા જીઆઇડીસી પોલીસ મથકના પીએસઆઇ એન.વી. ઝાલા સહિતનો સ્ટાફ નાઇટ કોમ્બિંગમાં હતો ત્યારે કાલાવડ રોડ પર વડવાજડી ગામ પાસે શ્રી હરસિદ્ધિ હોટેલ પાસે માણસોની ભીડ હોય અને હોટેલ મોડી રાત સુધી ખુલ્લી હોય જેથી ત્યાં જઇને પીએસઆઇ સહિતના સ્ટાફે લોકોને ઘેર જવા માટે કહ્યું હતું દરમિયાન હોટેલ સંચાલક બળવંતસિંહ પ્રતાપસિંહ પરમારએ ઉશ્કેરાઇ જઇ બોલાચાલી કરી હતી અને તેના ભાઇ પ્રદીપસિંહને ફોન કરી સ્પીકર પર ફોન રાખ્યો હોય અને તે પણ પોલીસને ગાળાગાળી કરી હતી.
દરમિયાન બળવંતસિંહએ પોલીસ સાથે ઝપાઝપી કરવા લાગતા જેથી પીએસઆઇ સહિતે કાયદો હાથમાં ન લેવા માટે સમજાવ્યા હતા દરમિયાન પીએસઆઇ એન બી ઝાલાએ હોટેલ સંચાલક બળવંતસિંહ પરમારની અટકાયત કરી તેને જીપમાં બેસાડી પોલીસ મથકે લાવતા હતા તે દરમિયાન સંચાલકે જીપના કાચ તોડી નાસી જવાનો પ્રયાસ કરતાં પોલીસે તેને ઝડપી લઇ કાયદાનો પાઠ ભણાવ્યો હતો તેમજ પીએસઆઇ ઝાલાની ફરિયાદ પરથી બળવંતસિંહ અને પ્રદીપસિંહ પરમાર સામે ફરજમાં રુકાવટની ફરીયાદ નોંધી પીઆઇ શર્મા સહિતના સ્ટાફે ગુનો નોંધી બળવંતસિંહની ધરપકડ કરી વધુ એક આરોપી પ્રદીપસિંહને પકડી લેવા કાર્યવાહી કરી છે પકડાયેલ બળવંતસિહ સામે મેટોડા અને લોધિકામાં મારામારી સહિત બે ગુના નોંધાઈ ચૂક્યા હોવાનું જાણવા મળ્યું છે વડવાજડી નજીક શ્રી હરસિદ્ધિ હોટેલવાળી જગ્યા વિવાદ વાળી હોય રૂડાએ તે જગ્યા પર સીલ મારી દીધું હતું, છતાં હોટેલ સંચાલકે પતરાંના શેડ તોડી હોટેલ ચાલુ કરી દીધી હોવાનું જાણવા મળ્યું છે.