જૂનાગઢ જિલ્લામાં કોરોના વાયરસની સ્થિતિ એકદમ સામાન્ય
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.31
જૂનાગઢ જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાએ જિલ્લામાં કોરોના વાયરસ સંદર્ભે આરોગ્ય વ્યવસ્થાઓની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. જિલ્લા કલેક્ટરે આરોગ્ય વ્યવસ્થાઓની જાણકારી મેળવી કહ્યું હતું કે, જિલ્લામાં કોરોના વાયરસની સ્થિતિ એકદમ સામાન્ય છે, પરંતુ કોરોના વાયરસથી કોઈપણ ગભરાટ વગર સાવધાની રાખવી હિતાવહ બની રહે છે. આ સંદર્ભમાં જિલ્લા કલેકટરે ખાસ જનજાગૃતિ વધારવા માટે હાઉસ ટુ હાઉસના નિયમિતપણે થતા સર્વેમાં લોકોને હાથ ધોવાથી માંડી અન્ય આરોગ્યલક્ષી કાળજી લેવા માટે લોકોને જાગૃતા કરવા માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.
- Advertisement -
જિલ્લા કલેકટરે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ઉપરાંત જિલ્લા અને તાલુકા કક્ષાએ જાહેર અને ખાનગી હોસ્પિટલોમાં આરોગ્ય સવલતો, બેડ, દવાઓ સહિતની જાણકારી મેળવી હતી. આ સાથે ગ્રામીણ વિસ્તારોમાં સામૂહિક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે સુવિધાઓ અને સ્ટાફની પણ વિગતો મેળવી હતી. જિલ્લા કલેકટરે સતર્કતાના ભાગરૂપે તાલુકા કક્ષાએ સંબંધિત અધિકારીઓને બેઠક યોજવા માટે પણ સૂચના આપી હતી. ઉપરાંત કેન્દ્ર રાજ્ય સરકારની માર્ગદર્શિકા સંદર્ભે પણ જરૂરી માર્ગદર્શન કર્યું હતું. જિલ્લા કલેકટર કચેરી ખાતે મળેલી આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અલ્પેશ સાલવીએ આરોગ્ય વ્યવસ્થાઓ બાબતોની જરૂરી વિગતો રજૂ કરી હતી.આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર ઓમ પ્રકાશ, સુપ્રિટેન્ડેન્ટ કૃતાર્થ બ્રહ્મભટ્ટ, સિવિલ હોસ્પિટલના ડો. પાલા સહિતના સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.