સુરત મ્યુનિ.ના રાંદેર ઝોનમાં મોકોના પ્લોટ પર ખાનગી ફૂડ સ્ટોલ બનાવવા માટેના નિર્ણય સામે સ્થાનિકોએ પાલિકાને લિગલ નોટિસ આપી છે. પાલિકાએ નિયમોને નવે મુકીને આસપાસના રહીશઓનું હિત જોખમાઈ તેવી રીતે કામગીરી કરી છે. ભાજપ શાસકોના આવા વિવાદી નિર્ણયના કારણે પાલિકા તંત્રની હાલત કફોડી થઈ રહી છે.સુરત મ્યુનિ.ના સ્થાયી સમિતિ અધ્યક્ષે દલાતરવાડીને જેમ પ્લોટની ફાળવણી કરી છે.
રાંદેર ઝોનમાં ટીપી સ્કીમ નં.૩૧ (અડાજણ)માં ફાઈનલ પ્લોટ નં.૧૯૮ વાળી જગ્યા પર સ્થાયી સમિતિએ કોઈ પણ જાતની ટેન્ડર પ્રક્રિયા વિના જ ભાજપના વોર્ડ પ્રમુખ સુરેશ પટેલને ફૂડ કોર્ટ માટે જગ્યા નજીવા ભાડાથી ફાળવી દીધી છે. આ ફૂડ કોર્ટની કામગીરી શરૃ થતાં સ્થાનિકોએ પાલિકામાં ઓન લાઈન અરજી કરી પરંતુ તેની સામે કોઈ નક્કર કામગીરી કરવામાં આવી ન હતી. જેના કારણે હવે ફુડ કોર્ટ બને છે તેની બાજુની રહેણાંક સોસાયટીના રહીશોએ પાલિકાને લીગલ નોટિસ આપી છે.
- Advertisement -
નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે, જે મિલ્કત પાલિકાએ ભાડે આપી છે તે મિલ્કતને હેતુ ફેર કર્યા વિના ગેરકાયદે ફૂડ કોર્ટ બનાવવાનો નિર્ણય કરાયો છે, જે સોસાયટીના રહીશો માટે મુશ્કેલી ઉભી કરી શકે છે અને તેઓના હિત જોખમાઈ શકે છે. ફૂડ કોર્ટના કારણે પાર્કિંગની સમસ્યા, રાત્રીના સમયે અવાજ-ધોંધાટ અને રહેણાંક સોસાયટીની દિવાલનેઅડીનેબાથરૃમ-ટોઈલેટ બનાવાતા ગંધની સમસ્યા ઉભી થશે. સ્થાનિકો દ્વારા આ અંગે અનેક ફરિયાદ કરી છે પરંતુ કોઈ સંતોષકારક જવાબ આપવામાં આવતો નથી. પાલિકાએ કોઈ પણ જાતના ટેન્ડર વિના કામગીરી કરી છે, તેમાં અમુક ભ્રષ્ટાચારી કર્મચારીઓ પોતાની ફરજ ભુલીને રાજકારણીઓના ખોળે બેસી નિયમો નેવે મુકીને એક બીજાના મેળાપીપણામાં આ જગ્યા રાજકારણીઓને ફાળવી દીધી છે જે જાહેર જનતા માટે મુશ્કેલી ઉભી કરશે.