PM મોદીએ યોગને રાષ્ટ્રવ્યાપી, સાર્વત્રિક અને વૈશ્વિક બનાવ્યો તેના કારણે આજે આખું વિશ્વ યોગ દિન ઉજવે છે : રાજુ ધ્રુવ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેરના રેસકોર્સ ખાતે આવેલ મહાનગરપાલિકા ઇન્ડોર સ્ટેડિયમની બાજુમાં ચાલી રહેલ મહાપાલિકાના સહયોગ સાથે પતંજલિ યોગપીઠના માર્ગદર્શન સાથે સંચાલિત યોગ સેન્ટરને આઠ વર્ષ પૂર્ણ થયા અને નવમું વર્ષ શરૂ થતી વેળાએ દેશભક્તિના ભાવ સાથે ગરિમાપૂર્ણ સાંસ્કૃતિક પ્રણાલિકા અને પરંપરા મુજબ ઉજવણી કરવામાં આવી હતી. આ યોગ સેન્ટરને મોનાબેન ઠક્કર અને દિવ્યાબેન આચાર્ય દ્વારા નિ:શુલ્ક ચલાવવામાં આવી રહ્યું છે. તાજેતરમાં આ યોગ સેન્ટરે આઠ વર્ષ પૂર્ણ થતા ગરીમાપૂર્ણ ઉજવણી કરાઈ હતી, ત્યારે આ પ્રસંગે સૌરાષ્ટ્ર ભાજપના પ્રવક્તા રાજુ ધ્રુવ તેમજ પતંજલિ યોગપીઠના અગ્રણી નટુભાઈ ચૌહાણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. નવમા વર્ષના મંગલ પ્રવેશ નિમિત્તે યોગ સેન્ટરના સભ્યો દ્વારા દેશભક્તિના ગીત, સંગીત, નૃત્ય નાટીકા સાથે સૂર્ય નમસ્કાર અને વિવિધ યોગ અને યોગાસનો કરવામાં આવ્યા હતા અને યોગવિદ્યાને સાંસ્કૃતિક પરંપરા સાથે પ્રસ્તુત કરવામાં આવી હતી.