શ્રી સોમનાથ સંસ્કૃતિ યુનિવર્સિટી ખાતે દસ દિવસીય એન.સી.સી. કેમ્પ યોજાયો
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.14
- Advertisement -
શ્રી સોમનાથ સંસ્કૃતિ યુનિવર્સિટી ખાતે નેશનલ કેડેટ્સ કોપ્ર્સ (એન.સી.સી.)નો 10 દિવસીય કેમ્પ યોજાયો હતો. દસ દિવસ યોજાયેલા આ કેમ્પમાં કુલ 580 વિદ્યાર્થીઓએ આ કેમ્પમાં ભાગ લીધો હતો. કમાન્ડિંગ ઓફિસર અક્ષર ઠક્કરની આગેવાનીમાં આ કેમ્પમાં દીવ, ઘોઘલા, માંગરોળ, કેશોદ, સિંધાજ, કોડીનાર સહિતના આસપાસના તાલુકાઓમાંથી આવેલા વિદ્યાર્થીઓએ સંસ્કૃતિ યુનિવર્સિટીના આહલાદક અને આધ્યાત્મિક વાતાવરણમાં વિદ્યાર્થીઓએ રાષ્ટ્રભાવના સાથે શિસ્તને લગતા મૂલ્યો, ટેક્નોલોજી અને સાયબર ક્રાઈમ સંદર્ભે વ્યાખ્યાનો તેમજ પ્રેરણાત્મક વ્યાખ્યાનો થકી વ્યક્તિત્વ વિકાસ ઘડતરના આયામો શીખ્યાં હતાં.
આ કેમ્પ થકી વિદ્યાર્થીઓમાં સાહસ વધે, હકારાત્મક સ્પર્ધાનું વાતાવરણ નિર્માણ થાય અને જુસ્સો તેમજ આત્મવિશ્વાસ વધે તે રીતે તાલીમ આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓ તમામ પ્રકારની મિલિટરી તાલીમ મેળવીને દેશસેવા અર્થે નેવી, ડીફેન્સ, સંરક્ષણ ક્ષેત્રે જોડાઈને પોતાની કારકિર્દી બનાવે એવી શુભકામનાઓ પાઠવી હતી. આ કેમ્પ દરમિયાન વિદ્યાર્થીઓએ દેશકાજ અર્થે યોજાયેલા બ્લડ ડોનેશન કેમ્પમાં તેમજ નાગરિક સંરક્ષણ મોકડ્રીલ અન્વયે આરોગ્ય, ફાયર વિભાગ, પોલીસ સહિતની ટીમના વિવિધ સંકલન થકી વહીવટી તંત્ર આપત્તિ દરમિયાન કઈ રીતે કામ કરે છે તેની મોકડ્રીલમાં ભાગ લીધો હતો.



