ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.13
માણાવદરના હૃદયસમા અને ટ્રાફિકથી ધમધમતો એવો સિનેમા ચોક પાસે એસટી બસ ખોટવાઈ જતાં એક કલાકથી વધુ સમયથી ચારેય તરફ વાહન વ્યવહાર અટવાઈ પડ્યો હતો. માણાવદરનો સિનેમા ચોક માણાવદર શહેરનો 24 કલાક ધમધમતો ચોક છે અને જ્યાંથી જુનાગઢ, પોરબંદર, સરદારગઢ ધોરાજી, ઉપલેટા તેમજ ગ્રામ્ય વિસ્તારોના વાહનો અહીંથી પસાર થાય છે ત્યારે અહીં સલામત સવારી એસટી અમારીના બાણંગા ફૂંકતી એસટી બસ જ બગડતા કલાકો સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો. આ ટ્રાફિકમાં 108 એમ્બ્યુલન્સ પણ નડ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ ચોક પાસે જ સરકારી હોસ્પિટલ, તાલુકા પંચાયત, બી.આર.સી ભવન સહિતની કચેરીઓ અહીં હોવાથી ટ્રાફિકજામ બનાવો અનેકવાર બને છે. તેમજ આગામી સમયમાં સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને નગરપાલિકા કચેરીનું કામ ચાલી રહ્યું છે જેથી વધુ ટ્રાફિક સર્જાશે ત્યારે આ ચારેય દિશાના રસ્તા પહોળા બને તે પણ જરૂરી છે.