ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.1
જૂનાગઢમાં આગામી તા.4 મે ના રોજ યોજાનાર NEETની પરીક્ષાના સુચારૂ આયોજન અંગે જિલ્લા કલેક્ટર અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં કલેક્ટરે NEETની પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય એ માટે સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. કલેકટરે પરીક્ષાના દિવસે અવિરત વીજળી પુરવઠો જળવાઈ રહે, પરીક્ષા કેન્દ્રો પર પાણી, ઓઆરએસ ની વ્યવસ્થા, એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રાખવા,દરેક સેન્ટર પર સાઈન બોર્ડ મૂકવા,દરેક સેન્ટર પર આરોગ્યનો સ્ટાફ હાજર રહે એ સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.
- Advertisement -
ખાસ કરીને જૂનાગઢ શહેર થી દૂરના અંતરે આવેલા બે પરીક્ષા કેન્દ્રો કેન્દ્રીય વિદ્યાલય અને ખડીયા ખાતે પોલીટેકનીક કોલેજ જવા માટે પરીક્ષાર્થીઓને કોઈ અગવડ ન પડે એ માટે જૂનાગઢ બસ ડેપો થી બસની વ્યવસ્થા કરવા પણ જણાવ્યું હતું. આ માટે એસ.ટી. ડેપો જૂનાગઢ ખાતેથી સવારે 10 કલાકે બસ ઉપડશે તેમજ પરિક્ષા પૂર્ણ થયે પરિક્ષાર્થીઓને જૂનાગઢ પરત લાવશે.પરીક્ષાની પૂર્વ તૈયારીના ભાગરૂપે આજે રાજ્યકક્ષાએથી મુખ્ય સચિવ પંકજ જોષી દ્વારા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જૂનાગઢ સહિત તમામ જિલ્લાના કલેકટર તેમજ અન્ય અધિકારીઓને પરીક્ષાલક્ષી તૈયારીઓ અંગે વિસ્તૃતમાં ચર્ચા કરી અને જરૂરી માર્ગદર્શન આપ્યુ હતુ.