સરકાર પક્ષ તરફથી પણ વળતી દલીલો: હવે વધુ સુનાવણી 29મીએ
મોરબી ઝુલતા પુલના આરોપીઓની ડિસ્ચાર્જ અરજીમાં દલીલો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
મોરબી ઝુલતા પુલ કેસના તમામ આરોપી દ્વારા મોરબીની સેશન્સ કોર્ટમાં ડિસ્ચાર્જ અરજી કરવામાં આવેલ છે તેનું હિયરિંગ કરવામાં આવ્યું હતું ત્યારે સરકારી વકીલ દ્વારા તમામ આરોપીઓ સામે આઇપીસીની જે કલમ હેઠળ ગુનો નોંધાયેલ છે તે યોગ્ય છે અને ખાસ કરીને ઓરેવા ગ્રૂપ દ્વારા નગરપાલિકા સાથે એમઓયુ કરવામાં આવેલ છે ત્યાંથી લઈને ઝુલતો પુલ તૂટી પડે અને 135 લોકોના જીવ ગયા ત્યાં સુધીમાં આરોપીઓ દ્વારા રાખવામા આવેલ બેદરકારીઓને કોર્ટના ધ્યાન ઉપર મૂકવામાં આવી હતી તેમજ સીટના રિપોર્ટમાં જે મહત્વની બાબતો સામે આવી હતી. તેની પણ ચર્ચા કરી હતી અને ખાસ કરીને ઝુલતા પુલને ઓરેવા ગ્રૂપના જયસુખભાઇ પટેલે તેના પરિવારની હાજરીમાં ખુલ્લો મૂકવામાં આવ્યો હતો તેની નગરપાલિકા કે કલેક્ટર તંત્રને જાણ કરી ન હતી અને તેઓની પાસે ફિટનેસ સર્ટિ ન હતું તો ઓરેવા ગ્રૂપને પુલ ખુલ્લો મુક્તા અટકાવવામાં કેમ આવ્યા ન હતું અને અને પાલિકા જે તે સમયે સાઇલેન્ટ કેમ હતી ? તેવા અનેક મુદાઓ કોર્ટ સમક્ષ મૂક્યા હતા.
મોરબીમાં ગત તા 30/10/2022ના રોજ ઝુલતો પુલ તૂટી પડ્યો હતો અને તે દુર્ઘટનામાં કુલ મળીને 135 જેટલા લોકોના મોત નીપજયું હતા.
તે મુજબ ગુનો બનતો નથી જેથી તમને ડિસ્ચાર્જ કરવામાં આવે તેવી દાદ માંગવામાં આવી હતી જે ડિસ્ચાર્જ અરજીનું બુધવારે હિયરિંગ કરવામાં આવ્યું હતું જેમાં મોરબીના સરકારી વકીલ વિજયભાઈ જાની દ્વારા દલીલ કરવા માંગી હતી જેમાં કહ્યું હતું કે, જે દિવસે ઝુલતો પુલ તૂટી પડ્યો હતો તે દિવસે કુલ મળીને 3165 લોકોને ટિકિટ આપવામાં આવેલ છે.
જોકે ઝુલતા પુલ ઉપર કેટલા લોકોને એક સમયે જવા દેવા, કેટલી ટિકિટો એક સમયે આપી શકાય તે સહિતની કોઈપણ બાબતની સ્પષ્ટતા ન હતી. જોકે વર્ષ 1960 માં જ્યારે મોરબી નગરપાલિકા સુધરાઈ હતી ત્યારે જે નિયમો બનાવવામાં આવ્યા હતા તેના જનરલ બોર્ડની અંદર કરવામાં આવેલ ઠરાવ મુજબ એક સાથે માત્ર દસ વ્યક્તિઓ ઝૂલતા પુલ ઉપર જવા દેવા તેવો ઠરાવ કરવામાં આવ્યો હતો ત્યારબાદ બીજો કોઈ ઠરાવ રેકર્ડ ઉપર કરવામાં આવેલ નથી જેથી તેને ધ્યાને લેવામાં આવે તે જરૂરી છે ખાસ કરીને સરકારી વકીલે કહ્યું હતું કે,
ઓરેવા ગ્રુપ દ્વારા નગરપાલિકા સાથે એમઓયુ કરવામાં આવ્યો હતો ત્યાર પહેલા ઓરેવા ગ્રુપ દ્વારા પુલ જોખમી હોવા અંગે ચાર વખત પત્રો કલેક્ટરને લખવામાં આવ્યા હતા અને ત્યારબાદ તા 7/3/22 ના રોજ નગરપાલિકા સાથે એમઓયુ થયેલ છે અને ત્યાર બાદ ઓરેવા ગ્રુપ દ્વારા પેટા કોન્ટ્રાક્ટ આપીને ધાંગધ્રાની પેઢી પાસે આ પુલનું રીનોવેશન કામ કરાવ્યું હતું અને જે પેઢી પાસે આ પુલનું રીનોવેશન કામ કરવામાં આવ્યું છે તેની પાસે કોઈ ટેકનિકલ નિષ્ણાંત નથી, તેમની પાસે સરકારનો કોઈ સર્ટીફીકેટ નથી, તેમણે કોઈ એન્જિનિયરિંગ કરેલ નથી તેમ છતાં તેમના દ્વારા આ પુલનું રીનોવેશન કામ કરવામાં આવે છે.
વધુમાં કહ્યું હતું કે, અગાઉ ઝૂલતા પુલ ઉપર લાકડા હતા ત્યાં છેલ્લે કરવામાં આવેલા રીનોવેશન બાદ હનીકોમની સીટો ફીટ કરવામાં આવી જેના કારણે વજન વધ્યો અને જે રીપેરીંગ કામ કરવામાં આવ્યું ત્યારબાદ કોઈપણ પ્રકારના ફિટનેસ સર્ટી મેળવ્યા વગર ઓરેવા ગ્રુપના જયસુખભાઈ પટેલ દ્વારા તેમના પરિવારજનોની હાજરીમાં આ ઝૂલતા પુલને લોકો માટે ખુલ્લો મુકવામાં આવે છે અને જે દિવસે ઝુલતા પુલને ખુલ્લો મુકવામાં આવે છે તેના પાંચમા દિવસે આ ઝુલતો પુલ તૂટી પડે છે અને જેના કારણે 135 લોકોના જીવ ગયા છે. આ બનાવની ફરિયાદ આધારે જે આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે તેમની સામે પ્રાઈમાફેસી કેસ બનતો હોય તેમની ડિસ્ચાર્જ અરજી રદ કરવામાં આવે તે જરૂરી છે.
- Advertisement -
ખાસ કરીને એફએસએલ દ્વારા આ સમગ્ર ઘટનાનો જે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે તેમાં જણાવવામાં આવ્યું છે કે વર્ષ 2008 થી ઓરેવા કંપની પાસે જુલતા પુલનું મેન્ટેનન્સનું કામ હતું તેમ છતાં તેમના દ્વારા જે મુખ્ય બે કેબલ ઉપર આ ઝુલતો પુલ લટકતો હતો તેનું ક્યારેય પણ ઇન્સ્પેક્શન કરાવવામાં આવ્યું નથી અને જે 49 તાર ભેગા કરીને એક કેબલ બન્યો હતો તે પૈકીના 22 જેટલા તાર તૂટી ગયેલા જોવા મળ્યા હતા આમ ગંભીર પ્રકારની બેદરકારી જોવા મળી રહી છે તેમ છતાં પણ વેસ્ટ જ ઓફ ટાઈમ માટે થઈને વારંવાર અરજીઓ કરવામાં આવતી હોવાનું સરકારી વકીલે કહ્યું હતું.
વધુમાં એવું પણ કહ્યું હતું કે સામાન્ય રીતે કોઈ બોટની અંદર મુસાફરી કરવા માટે થઈને જતા હોય તો તે મુસાફરોને પણ જેકેટ પહેરાવવામાં આવે છે પરંતુ નદી ઉપર ઝૂલતો પુલ બાંધવામાં આવ્યો હતો અને નીચેના ભાગમાં નદી હોવા છતાં પણ સેફટી ગાર્ડ ન હતા, સેફટી માટેના સાધનો ન હતા, કોઈ દુર્ઘટના થાય તો લોકોનો જીવ બચાવી શકાય તેવી કોઈ પણ વ્યવસ્થા ત્યાં રાખવામાં આવી ન હતી.
આ બધી જ જવાબદારી કામ રાખનાર ઓરેવા ગ્રુપની હતી પરંતુ તેમની બેદરકારીના કારણે આ દુર્ઘટના થયેલ છે. આ કેસને ડે ટુ ડે ચલાવવા માટે થઈને સરકાર તરફથી તેઓ અગાઉ પણ તૈયાર હતા અને હાલમાં પણ તૈયાર છે જોકે, પ્રિ પ્લાન રીતે અરજીઓ કરીને સેન્સેટિવ કેસને ડિસ્ટર્બ કરવામાં આવે છે તેવું પણ સરકારી વકીલે કહ્યું હતું.
ટેકનિકલ એક્સપર્ટના અભિપ્રાય લેવામાં આવ્યા ન હતા ? અને નગરપાલિકા કે કલેક્ટર તંત્રને જાણ કર્યા વગર ઝૂલતા પુલને ઓરેવા ગ્રુપ દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો હતો આ ઉપરાંત સરકારી વકીલે એવું પણ કહ્યું હતું કે, તા 7/3/22 ના રોજ ઓરેવા અને પાલિકા વચ્ચે એમઓયુ કરવામાં આવ્યું છે જોકે, તેનું રોજ કામ તા 8/3/22 ના રોજ કરવામાં આવે છે અને આ રોજ કામની અંદર જે તે સમયના મોરબી નગરપાલિકાના પ્રમુખ કે.કે. પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, કારોબારી સમિતિના ચેરમેન સુરેશભાઈ દેસાઈ, ત્યારના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા તથા ઓરેવા ગ્રુપના ઓથોરાઇઝ વ્યક્તિ દ્વારા સહી કરવામાં આવે છે.
જે એમઓયુમાં સ્પષ્ટપણે જનરલ બોર્ડની મંજૂરીની અપેક્ષાએ 15 વર્ષ માટે ઓરેવા ગ્રુપને ઝૂલતા પુલની જવાબદારી સોંપવામાં આવી છે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે પરંતુ જનરલ બોર્ડની મંજૂરી મળેલ ન હતી અને જનરલ બોર્ડ પહેલા જ એમઓયુ કરી લેવામાં આવે છે અને એમઓયુના બીજા દિવસે રોજકામ કરવામાં આવે છે અને ઝુલતા પુલને જે દિવસે ખુલ્લો મુકવામાં આવે છે ત્યારે નગરપાલિકા કે કલેક્ટર તંત્રને જાણ કરવામાં આવી નથી ?,
છતાં પણ પાલિકા દ્વારા તેઓને અટકાવવામાં આવતા નથી ? અને પાલિકા જે તે સમયે સાઇલેન્ટ રહે છે ? જેથી આ દુર્ઘટના બનેલ છે ત્યારે આરોપીઓએ કરેલ ડિસ્ચાર્જ અરજી રદ કરવી જોઈએ તેવી દલીલ કરેલ છે જેથી કોર્ટે આ કેસમાં આગામી તા 29/4 ની મુદત આપેલ છે.