જિલ્લા કલેક્ટરને રજુઆત કરાઈ: રામદેવભાઈ મોઢવાડીયા અને ધર્મેશભાઈ પરમાર દ્વારા આવેદનપત્ર અપાયું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
પોરબંદર શહેરના નાગરિકોને સ્વચ્છ અને તંદુરસ્ત પર્યાવરણ ઉપલબ્ધ થાય એ હેતુસર 132 સફાઈ કામદારોને ફરીથી નોકરી પર ફરજ પર મુકવા બાબતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. પોરબંદર ભાજપના આગેવાનો રામદેવભાઈ મોઢવાડીયા અને યુવા આગેવાન ધર્મેશભાઈ પરમારની આગેવાની હેઠળ આ રજુઆત કરવામાં આવી હતી. શહેરના વિકાસ અને નાગરિકોના આરોગ્ય માટે સફાઈ કામદારોનું યોગદાન મહત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં તેમને નોકરીમાંથી વિમુક્ત કરવાને બદલે ફરીથી નિયુક્તિ આપવી જરૂરી છે, તેમ આવેદનમાં સ્પષ્ટ જણાવ્યું છે. આ રજુઆત દરમિયાન તાલુકા રેડક્રોસ સોસાયટીના પ્રમુખ અને ભાજપ આગેવાન રામદેવભાઈ મોઢવાડીયા, ગ્રીન પોરબંદરના કો-ઓર્ડિનેટર અને ભાજપ યુવા આગેવાન ધર્મેશભાઈ પરમાર, પૂર્વ કાઉન્સિલર ભીખુભાઈ ઢાકેચા તેમજ ભાજપના અગ્રણીઓ દિલીપભાઈ વાઘેલા અને વજુભાઈ ઢાકેચા હાજર રહ્યા હતા.