સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે બોય્ઝ હોસ્ટેલ તથા નટેશ્ર્વર રંગમંચનો શિલાન્યાસ કરતાં શિક્ષણ મંત્રી
યુનિ. દ્વારા પ્રકાશિત ’સંસ્કૃતેવૃત્યવસરા:’ અને ’શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના વાર્ષિક અહેવાલ’ પુસ્તકોનું વિમોચન
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ મંત્રી ઋષિકેશભાઈ પટેલે શનિવારે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે આવેલ શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે નવનિર્મિત થનાર સોમેશ્વર કુમાર છાત્રાવાસ (બોય્ઝ હોસ્ટેલ) તથા નટેશ્વર રંગમંચનો શિલાન્યાસ વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે કર્યો હતો. ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ મંત્રી ઋષિકેશભાઈ પટેલે આ અવસરે જણાવ્યું હતું કે, આપણાં વેદ, પુરાણ ઉપનિષદોમાં સમાજ જીવનને દર્શિત કરતા જ્ઞાનનો ભંડાર ભરેલો છે. આ ગ્રંથો સંસ્કૃતમાં લખાયેલા છે ત્યારે તેને તેમાંથી બહાર લાવી લોકભોગ્ય બનાવવાની જરૂરિયાત છે.
શિક્ષણથી માંડીને ધન્વંતરીના આરોગ્ય સુધીના જ્ઞાનને સંસ્કૃત ગ્રંથોમાં સમાહિત કરવામાં આવેલું છે, ત્યારે આજે સંસ્કૃત શીખવાની જરૂર છે. સંસ્કૃત એ ટકાવારીનો વિષય નહીં, પરંતુ શીખવાનો વિષય બનવું જોઈએ. રાજ્ય સરકાર આ માટેની તમામ મદદ કરવા તૈયાર છે, તેમ મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું.
સંસ્કૃતની મહત્વના વિશે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, જર્મનીમાં પણ સંસ્કૃત વંચાય છે. 200 જેટલીમ કોલેજોમાં સંસ્કૃત વિભાગ છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા આપણી પુરાતન સંસ્કૃતિ ભાષાને આગળ લઈ જવા માટે કટિબદ્ધ છે, તેમ વધુમાં તેમણે જણાવ્યું હતું. આ અવસરે યુનિવર્સિટી દ્વારા પ્રકાશિત બે પુસ્તકો ’સંસ્કૃતેવૃત્યવસરા:’ અને ’શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના વાર્ષિક અહેવાલ’નું મહાનુભાવના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.