ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ભારતરત્ન ડો. બાબાસાહેબ આંબેડકરની 134મી જન્મજયંતી નિમિત્તે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં તુરી બારોટ સમાજનો માતૃ-પિતૃ વંદના, ભીમ ડાયરો તથા સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો.
- Advertisement -
આપણું બંધારણ જે દેશના દરેક નાગરિક માટે ધર્મગ્રંથ સમાન છે, તેમાં ડો. બાબાસાહેબે સૌને એક, સંગઠિત અને શિક્ષિત બનીને વિકાસ માટેનું દિશાદર્શન આપ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે તુરી બારોટ સમાજે એક તરફ કલા સાધના કરી છે તો બીજી તરફ ઘણા પરિવારોને ચોપડે રાખવાનું-ઇતિહાસ સંવર્ધનનું કાર્ય પણ કર્યું છે. આપણે સૌ વિકસિત ભારતના નિર્માણ માટે રાષ્ટ્રવંદનાનો સંકલ્પ લઈએ એ જ બાબાસાહેબને આપેલી સાચી અંજલિ છે. તુરી સમાજનું બાળક રડતું હોય તો એના રડવામાં પણ રાગ હોય- આ કહેવત કલા પ્રત્યે તુરી બારોટ સમાજની સાધના અને સમર્પણ દર્શાવે છે. વિકસિત ભારતના નિર્માણ માટે વડાપ્રધાને આપેલા નવ સંકલ્પો સાકાર કરવા માટે પ્રતિબદ્ધ થવા આહ્વાન કર્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં તુરી બારોટ સમાજના માતૃ-પિતૃ વંદના, ભીમડાયરો તથા સન્માન સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ત્રિવેણી કાર્યક્રમમાં મુખ્યમંત્રીના હસ્તે તુરી બારોટ સમાજની મોબાઈલ એપ્લિકેશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.



