ઊનાની સુગર ફેકટરીના મેદાનમાં વિકરાળ આગ: ફાયર વિભાગની સમય સૂચકતાથી મોટી નુકશાની થતાં અટકી
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.17
ઊના ગીરગઢડા રોડ પર વર્ષોથી બંધ પડેલ સુગર ફેક્ટરીમાં બુધવારે બપોરે બપોરના સમયે ગોડાઉનની પાછળના ભાગમાં અચાનક આગ લાગતા અને પવન ના લીધે આગે ધીમે ધીમે પ્રસરવાનું શરૂ કરતા અફડા તફડીનો માહોલ સર્જાયો હતો. જોતજોતામાં આગની લપેટમા અસંખ્ય વૃક્ષો આવી જતા આગ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરે એ પહેલા ઊના પાલિકાની ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવેલ અને અંદાજે પાંચ વીઘાથી વધુ વિસ્તારમાં આગ લાગતા આગના લવકારા દૂર દૂર સુધી જોવા મળતા હતા અને આ આગ વધુ વિકરાળ બને અને આગળ વધે તો આ ફેકટરીના ગોડાઉન રૂપિયા ત્રણ કરોડથી વધારે મગફળીનો જથ્થો આગની લપેટમા આવી ના જાય એ માટે સતત આગ પણ પાણીનો મારો શરૂ રાખેલ અને કલાકોની જહેમત બાદ આગ કાબુમાં આવી હતી. જેને લઈ તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. જ્યારે આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ હોય આગ કોણે લગાવી એ પણ સવાલ ઊભો થવા પામેલ છે. ફેક્ટરીના પાછળના ભાગે લાગેલી આગ ભયંકર સ્વરૂપ પકડે એ પહેલાં પાલિકાની ફાયર ફાઇટર ટીમ દ્વારા આગને કાબુમાં લેવામાં આવી હતી.