એશિયાનો નવો રેકોર્ડ બનાવ્યો: કૈનો સ્પ્રિન્ટમાં પ્રાચી યાદવ ફાઈનલમાં, બેડમિન્ટન-તિરંદાજીમાં પણ ભારતની આગેકૂચ
ટોક્યો પેરાલિમ્પિકમાં આજે ભારતની શરૂઆત અત્યંત સારી રહી છે. 18 વર્ષીય પ્રવીણ કુમારે પુરુષોની ટી-64 હાઈ જમ્પમાં નવો એશિયન રેકોર્ડ બનાવીને સિલ્વર મેડલ પોતાના નામે કરી લીધો છે. આ સાથે જ ભારતે ટોક્યો પેરાલિમ્પિકમાં 11 મેડલ જીતી લીધા છે.
- Advertisement -
બીજી બાજુ કૈનો સ્પ્રિન્ટમાં પ્રાચી યાદવ જીત મેળવીને ફાઈનલમાં પહોંચી ચૂકી છે તો તીરંદાજીમાં પુરુષોની વ્યક્તિગત રિકર્વ ઓપન એલિમિનેશન 1/16માં ભારતના તીરંદાજ હરવિંદરસિંહ આગલા રાઉન્ડમાં પહોંચી ગયા છે. બેડમિન્ટનમાં પુરુષ સિંગ્લસના એસએલ-4 મુકાબલામાં સુહાસ યથિરાજ પણ આગેકૂચ કરી રહ્યો છે. નોઈડાના 18 વર્ષીય પ્રવીણે 2.07 મીટર ઉંચો કૂદકો લગાવીને બીજો ક્રમ હાંસલ કર્યો હતો.
ગ્રેટ બ્રિટનના બ્રૂમ એડવર્ડસ જોનાથન કે જેણે 2.10 મીટરનો કૂદકો લગાવીને ગોલ્ડ મેડલ જીત્યો છે તો 2.04 મીટરનો કૂદકો લગાવીને પોલેન્ડનો લેપિયાટો માસિએઝો બ્રોન્ઝ જીતવામાં સફળ રહ્યો છે. ટોક્યો પેરાલિમ્પિકમાં ઉંચી કૂદમાં ભારતના ચાર મેડલ થઈ ગયા છે. આ પહેલાં ઉંચી કૂદની ટી-63 સ્પર્ધામાં ભારતના મરિયપ્પન થંગાવેલુંએ સિલ્વર મેડલ જીત્યો હતો તો શરદ કુમારે બ્રોન્ઝ અને નિષાદ કુમારે ટી-47માં સિલ્વર મેડલ મેળવ્યો હતો.
- Advertisement -
હાઈ જમ્પ (ઉંચી કૂદ)માં સિલ્વર મેડલ જીતનારા પ્રવીણનો એક પગ નાનો છે પરંતુ તેણે પોતાની આ નબળાઈને તાકાત બનાવી લીધી છે. આ પહેલાં પ્રવીણે જૂલાઈ 2019માં જૂનિયર વર્લ્ડ ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલ જીત્યો હતો. આ વર્ષે નવેમ્બરમાં સીનિયર વર્લ્ડ ચેમ્પિયનશીપમાં તે ચોથા સ્થાને રહ્યો હતો. તેણે વર્લ્ડ ગ્રાં પ્રીમાં ગોલ્ડ જીત્યો હતો અને ઉંચી કૂદમાં 2.05 મીટરનો એશિયાનો રેકોર્ડ બનાવ્યો હતો.
બીજી બાજુ કૈનો સ્પ્રિન્ટની મહિલા સિંગલ્સના 200 મીટર વીએલ-2 સ્પર્ધામાં પ્રાચી યાદવે ફાઈનલમાં જગ્યા બનાવી છે. તેણે આટલું અંતર 1:07.397ના સમયમાં પૂર્ણ કર્યું હતું. જ્યારે તિરંદાજીમાં પુરુષોની વ્યક્તિગત રિકર્વ ઓપન એલિમિનેશન 1/16માં ભારતના તીરંદાજ હરવિંદરસિંહ પોતાનો મુકાબલો જીતી આગલા રાઉન્ડમાં પહોંચી ગયો છે. આ મેચમાં તેણે ઈટાલીના ખેલાડીને 6-5થી હરાવ્યો છે.
પ્રવીણ કુમારને વડાપ્રધાન મોદીએ આપી શુભકામના
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉંચી કૂદમાં સિલ્વર મેડલ જીતનારા પ્રવીણ કુમારને શુભકામના પાઠવી છે. મોદીએ ટવીટ કર્યું કે પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનારા પ્રવીણ કુમાર પર ગર્વ છે. આ મેડલ તેમની અથાગ મહેનત અને અદ્વિતીય સમર્પણનું પરિણામ છે. તેમને ભવિષ્યના પ્રયાસો માટે શુભકામના.
પેરાલિમ્પિક ઈતિહાસનું ભારતનું સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન: અત્યાર સુધીમાં 11 મેડલ જીત્યા
ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતે અત્યાર સુધીમાં 11 મેડલ જીતી લીધા છે. ભારતના ખાતામાં હવે 2 ગોલ્ડ, 6 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ છે. આ પેરાલિમ્પિક ઈતિહાસમાં ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. આ પહેલાં 2016ના રિયો પેરાલિમ્પિકમાં ભારતે બે ગોલ્ડ સહિત ચાર મેડલ જીત્યા હતા.
‘ગોલ્ડન ગર્લ’ અવની લેખરા આજે ફરી ગોલ્ડ મેડલ માટે મેદાને ઉતરશે
ટોક્યો પેરાલિમ્પિકમાં દેશ માટે પહેલો ગોલ્ડ મેડલ જીતનારી જયપુરની અવની લેખરા આજે ફરીથી મેડલ માટે મેદાને ઉતરશે. અવની 50 મીટર એર રાયફલ મહિલા કેટેગરીમાં ભાગ લઈ રહી છે અને અહીં તે દુનિયાભરની મહિલા શૂટર્સ સાથે મુકાબલો કરશે. મેચ પહેલાં જ અવનીના વતન જયપુરમાં પ્રાર્થનાઓનો દોર શરૂ થઈ ચૂક્યો છે. અવનીના ભાઈ અરનવે જણાવ્યું કે 10 મીટર સાથે અવનીએ 50 મીટરમાં પણ ઘણી તૈયારી કરી છે તેથી તેના મેડલ જીતવાની સંભાવના પૂરેપૂરી છે.