ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા કાર્યવાહી કરતા ખનિજ માફિયાઓના દોડધામ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.8
સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલતી ખનિજ ચોરીને અટકાવવા લગભગ ત્રણ દાયકામાં આ પ્રથમ અને એકમાત્ર ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણા પોતાની તટસ્થ કામગીરીને લઈને મોટાભાગે સમાચાર પત્રોમાં દરરોજ છવાયેલા રહે છે. તેવામાં સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલતી આ ખનિજ ચોરીમાં સૌથી વધુ અને મોટી કોલસાની ચોરી આજદિન સુધી અધિકારીઓ અટકાવી શક્યા નથી ત્યારે ચોટીલાના પ્રાંત અધિકારી દ્વારા વારંવાર ખનિજ ચોરી ઝડપી પાડી કોલસાનું ખનન કરતા ખનિજ માફિયાઓની કમર ભાંગી નાખતા ભડુલા અને જામવાડી ખાતે દરોડા કર્યા હતો. આ દરોડો ઇતિહાસનો પ્રથમ મેગા દરોડો માની શકાય છે કારણ કે અહી દરોડા દરમિયાન 247 જેટલી કોલસાની ગેરકાયદેસર ખાણો જેમા ત્રણ હજારથી વધુ ટન કોલસો જપ્ત કરાયો હતો ટીમને આ કામગીરી કરવા પાછળ લગભગ ત્રણ દિવસનો સમય પણ લાગ્યો હતો જે બાદ કોલસાનું ખનન સદંતર બંધ કરવા પ્રાંત અધિકારી દ્વારા થાનગઢ મામલતદાર કચેરીના સ્ટાફને દરરોજ રાત્રી દરમિયાન પેટ્રોલિંગ માટે ફરજ પણ આપી છે. ત્યારે ભડુલા અને જામવાડી વિસ્તારમાં કોલસાનું ગેરકાયદેસર ખનન કરતા કેટલાક ખેતી લાયક અને માલિકીની જમીનની યાદી તૈયાર કરી આ તમામ જમીન માલિકોની જમીનો ખાલસા કરવાની કાર્યવાહી આદરી છે. જેને લઇ ખનિજ માફીયાઓમાં પણ જમીન બચાવવા માટે દોડધામ શરૂ થઈ છે અને પોતાના લગતા વળગતા પાસે ભલામણોનો દોર શરૂ કરાયો છે. જ્યારે આ કાર્યવાહીને લઈને થાનગઢના ભડુલા અને જામવાડી વિસ્તારની મોટાભાગની જમીનો શ્રી સરકાર થાય તેવા એંધાણ નજરે પડી રહ્યા છે.



