આકરી ગરમી પડતાં જૂનાગઢ ઝૂમાં પ્રાણીઓ માટે ઠંડકનું આયોજન
પારો 41 ડિગ્રી થતાં સિંહ, વાઘ, પક્ષીઓ સહિત પ્રાણીઓ માટે ખાસ સુવિધા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.5
ગુજરાતમાં હાલ ગરમી તેનો પ્રકોપ બતાવી રહી છે. અને ગરમીનો પારો 41 ડિગ્રીએ પોહચતા લોકોના હાલ બેહાલ જોવા મળી રહ્યા છે. ત્યારે જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રાહલયમાં પક્ષી અને પ્રાણીઓ માટે ખાસ વિશેષ સુવિધા ઉભી કરવામાં આવી છે. અને પ્રાણીઓને કાળઝાળ ગરમીથી રાહત મળે તેના માટે ઝૂ અધિકરીઓ અને વેટરનરી ડોક્ટર દ્વારા ખાસ કાળજી લેવામાં આવી છે અલગ અલગ પ્રાણીઓના પાંજરામાં પ્રાણીઓને ઠંડક મળે તેવું આયોજન કરવામાં આવ્યું છે.
સક્કરબાગ પ્રાણી સંગ્રાહલય સિંહ, વાઘ, દીપડા, પક્ષીઓ સાથે હીપો અને હરણ, ઝીબ્રા સહીત અનેક વન્ય પ્રાણી જોવા મળે છે. ત્યારે પ્રાણીઓને ગરમીમાં રાહત મળે તેના માટે પક્ષીઓના પાંજરાને ગ્રીન નેટથી રક્ષણ આપવાની સાથે ફુવારા પદ્ધતિથી ઠંડક અપાઈ રહી છે. તેમજ સિંહ, વાઘ અને દીપડાના પાંજરામાં પણ ફુવારાથી ઠંડક અપાઈ રહી છે તેમજ અન્ય કેટલાય પક્ષીઓના પાંજરામાં પાણીના હોજ ભરી દેવામાં આવ્યા છે. તેમજ હરણ, ચિતલ, ઘૂડખર ઝીબ્રા સહિતના પ્રાણીઓને સૂકા ઘાસ સાથે ગ્રીન નેટનો સહારો આપવામાં આવી રહ્યો છે. આમ ભારે ગરમીમાં પ્રાણીઓના શરીરનું તાપમાન જળવાઈ રહે અને ગરમીમાં ઠંડકનો એહસાસ થાય તેવા ઝૂ ઓથોરિટી દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા છે.
એનિમલ કીપર સ્ટાફ અને વેટરનીટી ડોક્ટર સતત પ્રાણીઓ અને પક્ષીઓનું મોનિટર રાખવામાં આવે છે. દરેક પ્રાણીઓના શરીરનું તાપમાન અલગ અલગ હોય છે અને તે પ્રમાણે તેનું સંતુલન જાળવી રાખવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. બહારના તાપમાન કરતાં ઝૂનું તાપમાન 2-3 ડિગ્રી ઓછું રહે તેવા તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તેમજ ખોરાકમાં કાળજી લેવામાં આવી રહી છે.આમ કાળા માથાનો માનવી જયારે ગરમીથી અકળાઈ ઉઠ્યો છે. ત્યારે સક્કરબાગ ઝૂમાં રહેતા પ્રાણીઓને પણ ગરમીની અસર થાય ત્યારે તેને ગરમીથી બચાવી શકાય તેવા તમામ પગલાં ભરવામાં આવ્યા છે.



