વહેલી સવારથી કોલસાના ખનન પર દરોડા કરતા ખનિજ માફિયાઓમાં ફફડાટ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.5
સુરેન્દ્રનગર જિલ્લામાં જે પ્રકારે ખનિજ ચોરીએ આડો આંક વળ્યો છે તેને જોતા અહીં ખનિજ ચોરી કરનારાઓને કાયદાનો કે અધિકારીઓનો દર નહીં હોવાનું નજરે પડે છે. મૂળી, થાનગઢ અને સાયલા ખાતે ચાલતા ગેરકાયદેસર કોલસાની ખાણો ધમધોકાર ચાલી રહી છે જેમાં મૂળી અને થાનગઢ પંથકમાં ચોટીલા પ્રાંત અધિકારી એકલા હાથે આ ખનીજનો કારોબાર બંધ કરવા પ્રયત્નો હાથ ધરી રહ્યા છે ત્યારે હાલમાં જ થાનગઢના ભડુલા અને જામવાડી વિસ્તાર ખાતે દરોડા બાદ હવે મૂળી તાલુકાના અસુંદરાળી, ઉમરડા, વગડીયા અને ખંપાળીયા ગામે ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણા દ્વારા આજે વહેલી સવારથી દરોડાની કામગીરી શરૂૂ કરી છે. જેમાં અસુંદરાળી, ઉમરડા, વગડીયા અને ખંપાળીયા ગામના સીમમાં ચાલતા કોલસાની ગેરકાયદેસર ખાણો પર દરોડા કરી 30 ચરખી, 300 ટનથી વધુ કોલસાનો જથ્થો, પાચ ટ્રેક્ટર, એક લોડર, ચાર જનરેટર, ત્રણ બાઇક, ત્રણ મોબાઇલ, 200 નંગ એક્સપ્લોઝિવ વિસ્ફોટકોનો જથ્થો, દશ નંગ બેટરી તેમજ ચાર કમ્પ્રેસર સહિત આશરે 1.50 કરોડનો મુદામાલ જપ્ત કરાયો હતો. પ્રાંત અધિકારીના દરોડા દરમિયાન ખનિજ માફિયાઓના નાસભાગ પણ મચી જવા પામી હતી જેમાં ટ્રેક્ટર સહિતનો માલસામાન બચાવવા માટે સાધનો લઈ ખનિજ માફીયાઓ ઊભી પૂંછડીએ ભાગ્યા હતા પરંતુ અહીં પ્રાંત અધિકારીની ટીમ દ્વારા કોલસાની ખાણો પરથી નાશી છુટેલ કેટલાક ટ્રેક્ટર સહિતની સામગ્રી આજુબાજુ વાડીમાં છુપાવેલી સ્થિતિમાંથી ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી. કોલસાની ગેરકાયદેસર ખાણો પર દરોડા કરી 15 જેટલા ખેતી લાયક માલિકીની જમીનો સર્વે પર ચાલતા ખાણ અંગે કાર્યવાહી હાથ ધરી છે.
- Advertisement -
ચોટીલા પ્રાંત અધિકારીના દરોડાની માહિતી પણ લીક થઈ
મૂળી તાલુકાના અસુંદરાળી, ઉમરડા, વગડીયા અને ખંપાળીયા ગામે ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા વહેલી સવારે દરોડા કર્યા તે પૂર્વે મોદી રાત્રે જ કોઈ કર્મચારી દ્વારા દરોડાની માહિતી લીક કરી હતી જેમાં કેટલાક ખનિજ માફીયાઓ દ્વારા પોતાના વાહનો અને સામગ્રી છુપાવી દીધી હતી છતાં પણ દરોડા દરમિયાન દોઢેક કરોડનો મુદામાલ જપ્ત કરાયો છે. પરંતુ અહીં માહિતી લીક થઈ ન હોત તો મોટા પ્રમાણમાં ખનિજ ચોરી ઝડપાઈ ચૂકી હોત.



