ચોટીલા પ્રાંત અધિકારીના દરોડા બાદ કોલસાનો કારોબાર ફરીથી યથાવત
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.5
સુરેન્દ્રનગર જિલ્લામાં જે પ્રકારે કોલસાનું ગેરકાયદેસર ખનન ચાલી રહ્યું છે તેના પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે આ ગેરકાયદેસર ખનન રોકવા માટે કોઈપણ એક વિભાગની મહેનત કે પ્રયત્ન નિષ્ફળ જ નીવડે તેમ છે અને જો આ ખનનને રોકવું હોય તો તમામ વિભાગને સહિયારો સાથ ખૂબ જ જરૂરી છે પરંતુ અહીં ખનિજ ચોરીમાં વહીવટ કરવા માટે એક વિભાગના કર્મચારીઓની વહીવટદાર તરીકે જિલ્લાની મુખ્ય બ્રાન્ચમાં બદલી કરાય છે અને આ કર્મચારીઓને માત્રને માત્ર કોલસાના વહીવટ માટે જિલ્લાના મુખ્ય વડા પરમિશન આપે છે. ત્યારે આ પ્રકારના વાતાવરણમાં ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા હાલમાં જ થાનગઢના ભડુલા અને જામવાડી ખાતે ચાલતા ગેરકાયદેસર કોલસાની ખાણ પર દરોડા કર્યા હતા કહેવાય છે કે છેલ્લા ત્રીસ વર્ષથી ચાલતા કોલસાના ગેરકાયદેસર ખનનના ઇતિહાસમાં આ પ્રથમ દરોડો છે જેમાં એક સાથે 247 જેટલી ખાણોમાંથી 3200 ટન જેટલો કોલસો અને અન્ય સામગ્રી સહિત કરોડોનો મુદામાલ જપ્ત કરાયો હોય.
- Advertisement -
ત્યારે ચોટીલા પ્રાંત અધિકારી અને તેઓની ટીમ દ્વારા સતત ત્રણ દિવસ સુધી કામગીરી કરી હતી પરંતુ જેટલા દિવસ પ્રાંત અધિકારીના દરોડા બાદની કામગીરી પૂર્ણ કરતા થયા તેનાથી પણ ઓછા સમયમાં ફરીથી ભડુલા અને જામવાડી વિસ્તારમાં કોલસાનું ખનન શરૂ થઈ ગયું છે. હવે માત્ર ફેર એટલો છે કે પહેલા દિન દહાડે કોલસાના કુવામાંથી ખનન થતું અને હવે રાત્રિના અંધારામાં ખનિજ માફીયાઓ કુઆ શરૂ કરી કોલસો કાઢવાની પ્રક્રિયા હાથ ધરે છે. જોકે તંત્રના અન્ય અધિકારીઓને રાત્રીના સમયે કોલસાનું ખનન કરવાના આખાય પ્રકરણથી વાકેફ છે પરંતુ અહીં માત્ર ચોટીલા પ્રાંત અધિકારી અને ટીમ સિવાય અન્ય તમામ વિભાગની માનવતા જ મારી પાડી હોય તેવું સ્પષ્ટપણે નજરે પડી રહ્યું છે.



